Gujarat

વડોદરા શહેર- જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 123 શિક્ષકોની જગ્યાઓ ભરાઈ

By GS TEAM
8 Jul 20251 min read
વડોદરા શહેર- જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 123  શિક્ષકોની જગ્યાઓ ભરાઈ

વડોદરાઃ શિક્ષકોની અછત સામે ઝઝૂમી રહેલી વડોદરા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં લગભગ પાંચ વર્ષ બાદ ૧૨૩ શિક્ષકોની  શિક્ષણ સહાયક તરીકે નિમણૂક કરવામાં આવી છે.આમ તો ૧૬૦  જગ્યાઓ પર નિમણૂક થનાર હતી પરંતુ ૩૭ પોસ્ટ પર ઉમેદવાર મળ્યા નથી.

છેલ્લા કેટલાક સમયથી ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો ખાલી જગ્યાઓ ભરવાની માગ કરી રહ્યા હતા.શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી હતી.

આજે ૧૨૩ શિક્ષકોને ડીઈઓ કચેરી દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા.જેમાં વડોદરા શહેરની સ્કૂલોના ૪૮ અને જિલ્લાની સ્કૂલોના ૭૫ શિક્ષકોનો સમાવેશ થાય છે.આ નિમણૂંકોના કારણે બાયોલોજીના સાત, કેમેસ્ટ્રીના ૩, કોમપ્યુટરમાં બે, ઈકોનોમિક્સમાં ૨૦, કોમર્સમાં ૪૦, ઈંગ્લિશમાં ૧૫, ગુજરાતીમાં ૧૮, હિન્દીમાં બે, ગણિતમાં ૬, ફિઝિક્સમાં ૬, સમાજશાસ્ત્રમાં ૧ શિક્ષકોની જગ્યાઓ ભરાઈ છે.

સૂત્રોનું કહેવું છે કે, છેલ્લે વડોદરા શહેરની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૨૦૨૧માં અને તેના પહેલા ૨૦૧૬માં ભરતી કરાઈ હતી.તેની સામે દર વર્ષે ૪૦ થી ૫૦ શિક્ષકો નિવૃત્ત થતા હોય છે.આમ જેટલી જગ્યા ભરાય છે તેના કરતા વધારે જગ્યાઓ ખાલી પડે છે.જેના કારણે ૧૨૩ શિક્ષકોની નિમણૂક પછી પણ શહેર જિલ્લામાં ૧૦૦ કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ હજી પણ ખાલી છે.