ધો.6 થી 8 માં 121 વિદ્યા સહાયકોની નિમણૂક, 35 જગ્યાઓ હજી ખાલી

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાની ધો.૬ થી ૮ની સરકારી સ્કૂલોમાં ૧૨૧ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે.જેમને બુધવારે ડીઈઓ કચેરી ખાતે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.જોકે એ પછી પણ ૩૫ જગ્યાઓ ખાલી રહી છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરામાં સામાજિક વિજ્ઞાાનના વિષય માટે વિદ્યા સહાયકોની ૧૨૪ જગ્યાઓ હતી.જેમાંથી ૯૦ જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા છે.અન્ય ભાષાકીય વિષયોની ૩૨ પૈકી ૩૧ જગ્યાઓ ભરાઈ છે.ડીઈઓ કચેરીના સૂત્રોનું કહેવું છે કે, ખાલી પડેલી જગ્યાઓ પર હવે પછીના રાઉન્ડમાં ઉમેદવારો અરજી કરી શકે છે.એટલે આ જગ્યાઓ નજીકના ભવિષ્યમાં ભરાઈ જશે.ઉલ્લેખનીય છે કે વિદ્યા સહાયકોની પહેલા પાંચ વર્ષ માટે ફિક્સ પગારે નિમણૂક કરવામાં આવતી હોય છે.એ પછી તેમને નિયમિત શિક્ષક તરીકેનો પગાર મળે છે.
આ પહેલા ડીઈઓ કચેરી દ્વારા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ૧૨૫ જેટલા કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોની પણ નિમણૂક કરાઈ છે.આ શિક્ષકો પણ તા.૬ નવેમ્બરથી સ્કૂલો શરુ થતાની સાથે ફરજ પર હાજર થશે.


