Get The App

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમમાં 1200 નાગરીકોએ લાભ લીધો

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમમાં 1200 નાગરીકોએ લાભ લીધો 1 - image

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એમ.પી. શાહ મ્યુનિ. ટાઉન હોલ ખાતે શુક્રવાર અને શનિવારના દિવસો દરમિયાન સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિશેષ ઉપસ્થિત રહીને જનસેવાના આ વિશેષ પ્રકલ્પને ખુલ્લો મૂક્યો હતો. જેમા વિવિધ સરકારી કામો માટે અંદાજે 1,200થી વધુ અરજદારોએ લાભ લીધો હતો.

શહેરના ટાઉન હોલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની મંત્રીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય તપાસ, આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના સ્ટોલ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અરજદારો સાથે વાતચીત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમએ વહીવટી તંત્રને લોકોના ઘર સુધી લઈ જવાનો એક સબળ પ્રયાસ છે. સામાન્ય નાગરિકને પોતાના નાના-મોટા કામો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળે તમામ પાયાની સેવાઓ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.

આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમન નિલેશ કગથરા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, ડે.કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.