સુરત પાલિકાની સુમન શાળાની 12 ટીમો 'વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિકસ ઓલિમ્પિયાડ'ની નેશનલ ટુર્નામેન્ટમાં પહોંચી
Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળા હવે ખાનગી શાળાઓને હંફાવી રહી છે. પાલિકાની શાળામાં એ.આઈ. ટેકનોલોજીના ઉપયોગ બાદ હવે ગરીબ વિદ્યાર્થીઓ નેશનલ લેવલની ટુર્નામેન્ટ માટે પણ પસંદ થયાં છે. વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ (WSRO) અમદાવાદ 2025 માં યોજાઈ હતી તેમાંથી પાલિકાની 12 ટીમની પસંદગી નેશનલ ટુર્નામેન્ટ માટે થઈ છે. આ સફળતા બાદ નેશનલ ટુર્નામેન્ટમાં સફળતા મળે તે માટે સુરત પાલિકાના શાસકો અને મ્યુનિ. કમિશ્નરે શુભેચ્છા આપી છે.
સુરત પાલિકાની જવાબદારી માત્ર પ્રાથમિક શિક્ષણની હોવા છતાં પાલિકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જવાબદારી પણ નિભાવી રહી છે. પાલિકા તંત્રએ સુમન સ્કુલની શરૂઆત બાદ હાલમાં આ શાળામાં 3-D પ્રિન્ટિંગ, રોબોટિક્સ, એઆઈલેબ જેવા હાઈટેક શિક્ષણ આપવામા આવી રહ્યું છે જેનું પરિણામ પણ હવે જોવા મળી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાની સુમન હાઈસ્કૂલના 106 વિદ્યાર્થીઓએ, વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ (WSRO) અમદાવાદ 2025 માં તેમની અદ્વિતીય પ્રતિભા, ટીમવર્ક અને નવીનતા દર્શાવી સફળતા મેળવી હતી.
અમદાવાદ ખાતે 10 જુલાઈના રોજ સ્પર્ધા થઈ હતી. તેમાં પાલિકાની સુમન હાઈસ્કૂલની 51 ટીમોના 132 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 12 ટીમના 34 વિદ્યાર્થીઓએ પુરસ્કાર જીતી નેશનલ ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવ્યો છે. નેશનલ ટુર્નામેન્ટ આગામી સપ્ટેમ્બર મહિનામાં દિલ્હી ખાતે યોજાશે. જેમાં પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને પ્રતિભા રજૂ કરવાની તક મળશે. આ રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં સફળતા મેળવનારી ટીમોને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા દર્શાવવાની તક પણ મળી શકે છે. આ સફળતાનું કારણ સુરત મહાનગર પાલિકા (એસ.એમ.સી.) જે સ્ટેમ શિક્ષણ અને રોબોટિક્સ સુમન શાળામાં લાવી ભણવી રહી છે અને બાળકોને નવી તકો પૂરી પાડી રહી છે.
આ સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને પાલિકા કમિશનર અને શાસકોએ આગામી સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. પાલિકા તંત્રએ જણાવ્યુ હતું કે, આ પ્રતિયોગિતા માત્ર એક સ્પર્ધા નહોતી, પણ એક અનુભવ હતો કે જેમાં બાળકોએ સહયોગ, સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને તકનીકી કૌશલ્યોને સાકાર કર્યા. આ અનુભવ તેમને નવી વિચારસરણી, નવી તકનીકી સમજ અને નવી આત્મવિશ્વાસની લાગણી આપી રહ્યો છે.