જાંબુઆ બ્રિજ ઉપર પૂરમાં ટેમ્પો ટ્રાવેલર અને વાન ફસાતા 12 લોકોનું રેસ્ક્યુ
Vadodara : વડોદરા પાસે જાંબુઆ નદીના બ્રિજ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હોવા છતાં વાહનચાલકો જોખમ ઉઠાવીને બ્રિજ પરથી પસાર થતા હોવાથી ફસાઈ જવાના બનાવ બની રહ્યા છે. ગઈ રાત્રે ફાયર બ્રિગેડે બે વાહનમાંથી 12 જણાનું રેસ્ક્યુ કર્યું હતું.
જાંબુઆ બ્રિજ ઉપર બે દિવસ પહેલા એક કાર તેમજ ટેન્કર ફસાયા હતા. જેમાં સવાર લોકોને બચાવ થયો હતો. હજી પણ બ્રિજ ઉપરથી બેથી ત્રણ ફૂટ જેટલું પાણી વહી રહ્યું હોવાથી વાહનો ફસાઈ જવાના બનાવો બને છે.
ગ્રામજનો દ્વારા વાહન ચાલકોને જોખમ નહીં ખેડવા સમજાવવામાં આવતા હોવા છતાં કેટલાક વાહન ચાલકો માનવા તૈયાર થતા નથી અને પરિણામે છેલ્લી ઘડીએ ફાયર બ્રિગેડને બોલાવાનો વખત આવે છે.
ગઈકાલે રાત્રે આ બ્રિજ ઉપરથી એક ટેમ્પો ટ્રાવેલર અને તેની પાછળ ઇકો વાન પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બંને વાહનો ફસાઈ જતા અંદર બેઠેલા કુલ 12 જણાના જીવ પડીકે બંધાયા હતા. આખરે ફાયર બ્રિગેડની મદદ લેવાતા તમામ લોકોનું મધરાતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વાહનો પણ બહાર કાઢી આપવામાં આવ્યા હતા.