Get The App

મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા 1 - image

વીજ ટ્રાન્સફોર્મર અને વાયરિંગ સાથે ગેરકાયદે નેટવર્ક પકડાયું 

નાયબ કલેક્ટરની તપાસમાં પાણી કાઢવાનું ચાલુ હોવાનું બહાર આવ્યું ઃ તલાટી અને સરપંચ સામે પગલાંની તજવીજ

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના રાણીપાટ ગામમાં સરકારી અને ખાનગી જમીન પર ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનનો પર્દાફાશ થયો છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમે બાતમીના આધારે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા મોટા પાયે થઈ રહેલી ખનીજ ચોરી ઝડપાઈ હતી. 

તપાસ દરમિયાન એક કૂવામાંથી પાણી કાઢવાની કામગીરી ચાલુ મળી આવી હતી, જ્યારે અન્ય ૧૨ જેટલા કૂવાઓ અગાઉ ખનન કરેલી હાલતમાં મળી આવ્યા હતા. તંત્રની તપાસમાં ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદે વીજ ટ્રાન્સફોર્મર અને વાયરિંગ ગોઠવીને કોલસાના કૂવામાંથી પાણી કાઢવામાં આવતંી હતું. રાણીપાટના વિરમભાઇ રવજીભાઇ સારદીયા દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ખુલ્યું છે. આ મામલે પંચનામું કરી કાયદેસરની માપણી હાથ ધરવામાં આવી છે.

આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા જવાબદાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૃ કરી છે. આ ઉપરાંત, પોતાની હદમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે.