Gujarat

નડિયાદમાં કાંપ અને કચરો દૂર કરતા 12 તળાવો જીવંત બન્યા

By GS TEAM
30 Jul 20252 mins read
નડિયાદમાં કાંપ અને કચરો દૂર કરતા 12 તળાવો જીવંત બન્યા

- વાર્ષિક 1.25 કરોડના ખર્ચે કામગીરી

- ગામતળ અને મુખ્ય વિસ્તારોની મધ્યમાં વર્ષોથી સફાઈ વગર તળાવોની દુર્દશા થઈ હતી

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આળેલા ૧૨ તળાવો સંપૂર્ણ સ્વચ્છ કરી દેવામાં આવ્યા છે. વાર્ષિક ૧.૨૫ કરોડના ખર્ચે હાથ ધરાયેલી કામગીરીમાં કાંપ અને કચરો દૂર કરાતા વરસાદી લાઈનમાં અવરોધની સમસ્યા હળવી બની છે. ત્યારે વરસાદી પાણીના નિકાલનો માર્ગ મોકળો બનવા સાથે તળાવો જીવંત બન્યા છે. 

નડિયાદમાં ગત જૂન માસમાં મનપા દ્વારા ૧૨ જેટલા મુખ્ય તળાવોની સફાઈ માટે વાષક ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. અમદાવાદની એક એજન્સીને આ કામગીરીનો કોન્ટ્રાક્ટ સોંપાયા બાદ, વર્ક ઓર્ડર મળતાની સાથે જ સફાઈનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. શહેરમાં કેટલાક ગામતળ અને મુખ્ય વિસ્તારોની મધ્યે આવેલા તળાવોની વર્ષોથી સફાઈ થઈ ન હતી. જેના કારણે તળાવમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં અવરોધ ઊભો થતો હતો. સફાઈના અભાવે પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થતા હતા. ચોમાસામાં તળાવો ઓવરફ્લો થાય ત્યારે આસપાસની રહેણાંક સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હતા. 

લાંબા સમય પછી નડિયાદમાં તળાવો સંપૂર્ણપણે સ્વચ્છ થયા છે. સફાઈ કામગીરીના પરિણામે, તળાવોમાં વરસાદી પાણીના નિકાલની પ્રક્રિયા હવે સુગમ બનશે. તળાવોમાંથી કાંપ અને કચરો સંપૂર્ણપણે દૂર થવાથી પાણીનો પ્રવાહ અવરોધમુક્ત બન્યો છે, જે સીધો જ આગળની વરસાદી લાઈનોમાં સરળતાથી પસાર થશે. આથી, ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે.

આ તળાવોની સફાઈ કરાઈ

ઊંડેવાલ તળાવ, ડેરી રોડ તળાવ, પીલવાઈ તળાવ, શેરકંડ તળાવ, મૂળેશ્વર તળાવ, ભોજા તળાવ, ખેતા તળાવ, રામ તલાવળી, ઇન્દિરાનગરી તળાવ, મોખાદ તલાવડી, પીપલગ તળાવ અને ડભાણ તળાવની સફાઈ કરવામાં આવી છે.