કડાણા ડેમમાં 10 દિવસમાં 12 ફૂટ પાણીની આવક, ખેડૂતોને રાહત
- મધ્ય ગુજરાતમાં વરસાદના પગલે
- ડેમમાં પ્રતિ કલાકે 8462 ક્યુસેક પાણીની આવક થતાં 49.30 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત
કડાણા ડેમ મારફતે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓના ખેડૂતોને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલનો લાભ મળી રહ્યો છે. સ્પ્રેડીંગ કેનાલ હોવાથી કમાન્ડ વિસ્તારમાં આવતા બોરકૂવા રીચાર્જ થવાની સાથે અનેક ખેડૂતો ૩ સીઝનનો સિંચાઈનો લાભ લઈ રહ્યા છે. જેથી કડાણા ડેમમાં વધુ પાણીની આવક થાય તો ખુશાલી મધ્ય ગુજરાતના જિલ્લા કરતાં ઉત્તર ગુજરાતના જિલ્લાને વધુ જોવા મળી છે. આ વર્ષે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને જુલાઈના આરંભમાં પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે.
મધ્ય ગુજરાતમાં જુલાઈના આરંભમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલને પાણી પુરુ પાડતા કડાણા ડેમની જળસપાટી ૩૯પ ફૂટને વટાવી ગઈ છે અને આજ રીતે પાણીની અવિરત આવક ચાલુ રહેશે તો જુલાઈના અંત સુધીમાં કડાણા ડેમ ૮૦ ટકાથી પણ વધુ ભરાઈ જાય તેવી સંભાવના છે. હાલ કડાણા ડેમમાં ૪૯.૩૦ ટકા પાણી સંગ્રહીત થયેલું છે.