સુરતમાં ગંગાસ્વરૂપ મહિલાઓનું અનોખું સન્માન: તેમના હસ્તે સમૂહ લગ્નનો શુભારંભ કરાવી રૂઢિચુસ્ત પરંપરાને તિલાંજલિ અપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરતના પુણા ગામમાં એક સમાજના સમૂહ લગ્નમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પરંતુ આ સમૂહ લગ્નમાં એક અનોખી સામાજિક ક્રાંતિ જોવા મળી હતી. આ સમૂહ લગ્નમાં સમાજને એક સંદેશો આપવામાં આવ્યો હતો કે, ગંગાસ્વરૂપ મહિલા (વિધવા)ઓ અપશુકનિયાળ નથી પરંતુ સમાજનો એક અવિભાજ્ય અંગ છે. આમ સમૂહ લગ્નમાં સમાજની ગંગાસ્વરૂપ મહિલા પાસે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. આ સમૂહ લગ્નમાં બેન્ડવાજા, ફટાકડા, વરઘોડા અને બિનજરૂરી ખર્ચ વગર 12 યુગલોએ સાત ફેરા લીધા હતા. આ અનોખા લગ્ન સમારોહ સુરતના એક સમાજ નહીં પરંતુ અનેક સમાજ માટે ઉદાહરણ બની રહ્યાં છે.

સુરતના પુણા ગામ ખાતે સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત, સંચાલિત પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા 17માં સમૂહ લગ્ન સમારોહમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ટ્રસ્ટના નિલેશ જીકાદરાએ કહ્યું હતું કે, 'સમાજ દ્વારા અનેક સેવાકાર્ય કરી સેવાઓ સાથે સમાજમાં યોગદાન આપનારાનું સન્માન પણ થાય છે. આ લગ્ન સમારોહમાં સમાજના ગંગાસ્વરૂપ મહિલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી સમાજને રૂઢિચુસ્ત માન્યતા છોડી એક નવી રાહ ચીંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.'

જ્યારે અન્ય એક સામાજિક આગેવાને કહ્યું હતું કે, આ સમૂહ લગ્ન સમારોહની ખાસ વિશેષતા એ છે કે, અન્ય સમૂહ લગ્ન સમારોહની જેમ ફક્ત લગ્ન વિધિ અને કરિયાવર જ નહીં પરંતુ આ ઉપરાંત કન્યાઓને મહેંદી રસમ સેવા, નેઇલ આર્ટ સેવા, બ્યુટી પાર્લર સેવા, રાસ ગરબા તથા ગણેશ નોતરું જમણવાર તેમજ ફુલેકુ-જમણવાર જેવી વિવિધ સેવાનો ખર્ચ દાતાઓએ આપ્યો હતો. આ સમૂહ લગ્નમાં 10 હજાર કરતા વધુ લોકો જોડાયા હતા.
આ સમૂહ લગ્ન સમારોહ માત્ર લગ્ન વિધિ નહીં પરંતુ સમાજમાં પરિવર્તન લાવતા એક પ્રેરણાસ્રોત બન્યો છે. વિધવા મહિલાઓ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં ફેરફાર, બિનજરૂરી ખર્ચ સામે કડક વલણ અને સામાજિક સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો છે.








