app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કના ઓફિસર દ્વારા 12.63 લાખની ઉચાપત

Updated: Sep 17th, 2023


Image Source: pixabay

- 134 ગ્રાહકોના ખાતાના રૂપિયા ઉઘરાવી બેન્કમાં જમા કરાવવાના બદલે અંગત કામમાં વાપરી નાંખ્યા

વડોદરા, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કના કસ્ટમર રિલેશનશિપ ઓફિસર દ્વારા 134 ગ્રાહકોના બેન્ક તથા સેવિંગ્ઝ ખાતાના રૂપિયા ઉઘરાવી જમા કરાવવાના બદલે અંગત કામમાં વાપરી નાંખ્યા હતા. જે અંગે બેન્કના રિલેશનશિપ મેનેજરે મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

શહેર નજીકના અણખોલ ગામે તક્ષ ઓરામાં રહેતા ધુ્રવલકુમાર સુરેશભાઇ પંચાલ મકરપુરા એસ.આર.પી.ગૃપની સામે આવેલી ઉજ્જવન સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં કસ્ટમર રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવે છે. મકરપુરા  પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી શાખામાં યોગેશ અરવિંદભાઇ  પરમાર (રહે. સિદ્ધેશ્વર હવન, તરસાલી) છેલ્લા સાડા ત્રણ વર્ષથી કસ્ટમર રિલેશનશિપ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.અમારી બેન્કમાં ગરીબ અને  જરૂરિયાતમંદ મહિલા  ગ્રાહકોને લોન આપવાના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી લોન આપવામાં આવે છે. લોનના હપ્તા કલેક્ટ કરી ખાતામાં જમા કરાવવાનું કામ યોગેશ પરમાર કરતા હતા. તેમની પાસે વડોદરા તથા આજુબાજુના વિસ્તારના કુલ 985 ગ્રાહકો હતા. તેઓની બેન્કને લગતી તમામ કામગીરી યોગેશ પરમાર  કરતા હતા. યોગેશ પરમારે બેન્ક દ્વારા આપવામાં આવેલા અધિકારોનો દુરૂપયોગ કરીને મહિલા ગૃપના 134 ગ્રાહકોના ખાતામાં રૂપિયા જમા કરાવવાના બહાને 18.02 લાખમાંથી 5.38 લાખ જમા કરાવ્યા હતા. બાકીના 12.63 લાખ તેઓ જમા કરાવતા નહતા. અને આ તમામ રૂપિયા પોતાના અંગત કામમાં વાપરી નાંખ્યા હતા. એક કસ્ટમર ધર્મિષ્ઠાબેન બેન્કમાં પોતાની એફ.ડી. ઉપાડવા આવ્યા હતા. તેમના ખાતામાં માત્ર 358 રૂપિયા જ હતા. તેમણે મને કહ્યું કે, મેં માર્ચ - 2022માં યોગેશ પરમારને ૫૧ હજાર રૂપિયા એક વર્ષની એફ.ડી. કરાવવા માટે આપ્યા હતા.

બેન્ક દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, યોગેશ પરમારે ધર્મિષ્ઠાબેનની એફ.ડી.ક્લોઝ કરી ડેબિટ કાર્ડ લઇ લીધું હતું. અને કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડી લીધા હતા.

Gujarat