વેરાવળમાં ગોદામ, શેડ, ઘરમાંથી 12,590 બોટલ શરાબ ઝડપાયો
કુલ રૂા. 20.57 લાખનો મુદ્દામાલ કબજે, બેની ધરપકડ
ત્રણ સ્થળે એલસીબી અને સિટી પોલીસના દરોડાઃ દારૂ સપ્લાય કરનારા બે શખ્સોની શોધખોળ ચાલુ
વેરાવળ: વેરાવળ-પ્રભાસપાટણમાં માછીમાર સમુદાયમાં લગ્નસરા સીઝન પૂરબહારમાં જામી છે ત્યારે બૂટલેગરો પણ સક્રિય થયા છે. અહી પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાએ વિદેશી શરાબના દરોડા પાડી ૧૨૫૯૦ બોટલ કબજે લીધી છે. આ પ્રકરણમાં બેની ધરપકડ થઇ છે, જ્યારે જથ્થો પૂરો પાડનાર બેને પકડવા ચક્રો ગતિમાન થયા છે.
એલસીબીનાં પીએસઆઈ એ.સી. સિંધવે નાના કોળીવાળા વિસ્તારમાં આવેલા ગજાનન કોમ્પ્લેક્સના ગોડાઉનમાં દરોડો પાડી કોથળામાં બાંધેલો પેક કરેલો તેમજ પેટીઓમાં વિદેશી શરાબની ૭૧૮૮ બોટલ ઝડપી લીધો હતો. જેની કિમત રૂા. ૮.૦૨ લાખ થવા જાય છે. આ દરોડામાં હાજર રહેલા રમેશ બચુ વાજાની ધરપકડ કરી હતી. જ્યારે જથ્થો પૂરો પાડનાર મુસ્તાક ઉર્ફે બાઠુ નુર મહંમદ ચૌહાણ અને અમીત ઉનડકટના નામો ખુલતા તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
બીજો દરોડો સિટી પીઆઈ એચ.આર. ગોસ્વામી અને ડી સ્ટાફે નાના કોળીવાડામાં પાડતા ત્યાં સિમેન્ટ પતરાવાળા શેડ રૂમમાંથી ૧૮૬૮ બોટલ વિદેશી શરાબ મળ્યો હતો. જેની કિમત રૂા. ૩.૫૨ લાખ નક્કી થઇ છે. આ દારૂનો જથ્થો પણ રમેશ બચુ વાજાનો હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત અમીત મનસુખલાલ ઉનડકટ, મુસ્તાક નુરમહંમદને પકડવાના બાકી છે.
ત્રીજો દરોડો ખારવાવાડામાં રવિ નાથા ભેસલાના ઘરે પોલીસે પાડયો હતો. જેમા ૩૫૩૪ બોટલ વિદેશી શરાબ કિંમત રૂા. ૯.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કરી રવિ નાથા ભેસલાની ધરપકડ કરાઇ હતી. આ શરાબ દરોડામાં પણ મુસ્તાક બાઠુની ધરપકડ બાકી છે.