Get The App

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં મોબાઈલના વેપારીની ઓફિસમાંથી 77 લાખના 119 IPHONE ચોરાયા

પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કર્યા

Updated: Jun 6th, 2023

GS TEAM


Google News
Google News
અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં મોબાઈલના વેપારીની ઓફિસમાંથી 77 લાખના 119 IPHONE ચોરાયા 1 - image



અમદાવાદ: શહેરમાં ઘરફોડ અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. તે ઉપરાંત ઓફિસો અને દુકાનોમાં પણ ચોરીના બનાવોમાં વધારો થયો છે. રાત્રીના સમયે થતાં પોલીસના પેટ્રોલિંગ પર આવી ઘટનાઓ વધવાથી સવાલો ઉભા થયાં છે. અમદાવાદના પોશ ગણાતા આઈઆઈએમ વિસ્તારમાં એક મોબાઈલ ફોનના વેપારીની ઓફિસમાંથી 77 લાખની કિંમતના 119 આઈફોનની ચોરી થઈ હોવાની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

10 બોક્સમાં 350 મોબાઈલ ફોન મંગાવેલા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અપૂર્વ ભટ્ટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેઓ વાયબલ રીકોમર્સ ઈન્ડિયા પ્રા.લી. નામની પાંજરાપોળ ચાર રસ્તા ખાતે આઈ વિઝન કોમ્પલેક્સના છઠ્ઠા માળે ઓફિસ ધરાવે છે. જ્યાં તેઓ હોલસેલમાં મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરવાનો બિઝનેસ કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત ત્રીજી જૂનના રોજ સાંજે સાતેક વાગ્યાની આસપાસ તેમની ઓફિસ બંધ કરી હતી. ત્યાર બાદ સવારે મોબાઈલ ફોનની ડીલિવરી આપવાની હોવાથી સાંજે પોણા પાંચેક વાગ્યાની આસપાસ તેમના ગોડાઉન ઈન્ચાર્જ નિલેશ શાહ ઓફિસે આવ્યા હતાં.અપૂર્વ ભટ્ટે આઈફોન-13 128 GB નંગ 100 તથા આઈફોન-14 128 GB નંગ 250 મંગાવ્યા હતાં. એમ કુલ 10 બોક્સમાં 350 મોબાઈલ ફોન મંગાવેલા હતાં. ફોનની ડીલીવરી મેળવીને નિલેશ શાહ સાડા પાંચેક વાગ્યાના સુમારે ઓફિસને લોક કરીને ત્યાંથી નીકળી ગયા હતાં. 

સીસીટીવીના આધારે ચોરીની ઘટનાની તપાસ શરૂ
ત્યાર બાદ પાંચમી જૂનના રોજ સવારે સાડા આઠ વાગે નિલેશ ઓફિસ આવ્યો હતો અને જોયુ હતું કે, ઓફિસનું બહારના દરવાજાનું લોક કોઈ સાધન વડે તોડવામાં આવ્યું હતું અને દરવાજો પણ ખુલ્લો હતો. ઓફિસમાં ચોરી થઈ હોવાનું જણાતાં નિલેશે અપૂર્વને ફોન કરીને જાણ કરી હતી. જેથી અપૂર્વ તાત્કાલિક ઓફિસ પહોંચી ગયા હતાં. ઓફિસમાં ચીજ વસ્તુઓ વેરવિખેર હાલતમાં હતી. તિજોરી પણ ખુલ્લી હતી. તિજોરીમાંથી 63 હજાર 500 રૂપિયા રોકડા હતાં તે ચોરાઈ ગયાં હતાં. બીજી તરફ 119 આઈફોન પણ ચોરાઈ ગયાં હતાં. ઓફિસમાં કુલ 77 લાખ 39 હજાર 800ની મત્તાની ચોરી થઈ હતી. અપૂર્વ સહિતના લોકોએ સીસીટીવી ચેક કરતાં એક અજાણ્યો ઈસમ ચોરી કરીને નીકળતો હોવાનું જણાયું હતું. પોલીસે સીસીટીવીના આધારે ચોરીની ઘટનાની તપાસ શરૂ કરી છે. 

Tags :