- નખત્રાણાના બે વેપારીબંધુઓની 14 વર્ષથી પડતી
- 115 તોલા સોનુ ગીરવે મુકી ૭૫ લાખ લીધા બાદ હવે સોની કહે છે, સોનુ મારી પાસે નથી! અન્ય વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા પોલીસમાં રજુઆત
નખત્રાણાના મણીનગર ખાતે રહેતા હિતેશ અને કનૈયાલાલ વિઠ્ઠલદાસ ઠક્કર નામના બંને ભાઈઓ સંયુક્ત રીતે લીધેલી કરોડોની વ્યાજની રકમ સામે હવે લાચાર બની ગયા છે. હિતેશ ઠક્કર દ્વારા નખત્રાણા પોલીસ સમક્ષ રજુઆત કરાઈ છે કે, તેઓએ પોતાના વડીલોનું અને પુત્રવધુઓને લગ્નમાં મળેલ આશરે ૧૧૫ તોલા સોનુ ગીરવે રાખ્યું છે. ગત વર્ષે નખત્રાણાના એક સોની પાસે ૭૫ લાખ પેટે આ ૧૧૫ તોલા સોનુ ગીરવે મુક્યા બાદ હવે પરત આપવામાં સોની ખોટી રીતે એવો દાવો કરે છે કે, સોનુ પારી પાસે નથી, આ વ્યવહારની કોઈ લેખિત રસીદ કે પુરાવો નથી. એ બાબતનો ગેરલાભ ઉઠાવી ખોટો, ભ્રામક પ્રચાર કરે છે. હિતેશભાઈના જણાવ્યા પ્રમાણે, ૭૫ લાખ પેટે ૧૧૫ તોલા સોનુ ગીરવે મુક્યો જે અંગે તેમણે કોઈ આધાર પુરાવા આપ્યા નથી, અને મેળવ્યા ન હતા. જે વાત શંકાને સ્થાને છે.
આ ઉપરાંત બંને ભાઈઓએ નખત્રાણા તાલુકાના દેશલપર(ગુંતલી), આમારા, મુરૂ, એયર,ધામાય ગામના રહેવાસીઓ પાસેથી મળીને કુલ ૧૬ વ્યકિતઓ પાસેથી વર્ષ ૨૦૧૨થી માંડીને ૨૦૨૨ સુધી કુલ ૪ કરોડ ૪૪ લાખ ૨૫ હજાર વ્યાજે લીધા છે. જે પેટે તેઓએ ૪ કરોડ ૭૧ લાખ ૫૦ હજાર વ્યાજ પેટે ચુકવી દીધા છે.
હિતેશ ઠક્કર દ્વારા નખત્રાણા પોલીસમાં રજુઆત કરાઈ છે જેમાં, આક્ષેપ કરાયો છે કે, ૧૧૫ તોલા સોનુ ગીરવે મુક્યા બાદ હવે સોની વેપારી પરત આપતા નથી. તેમજ અન્ય વ્યાજ ખોરો પણ સતત માનસિક હેરાનગતિ કરે છે. વ્યાજે લીધેલી રકમ તેઓ ચુકવવા તૈયાર છે પરંતુ આટલી કરોડોની રકમ એક સાથે તેઓ ચુકવી શકવા સક્ષમ ન હોઈ જેથી, સમય માંગ્યો છે. પોતાના પરિવારનો જીવ જોખમમાં હોઈ જેથી, ન્યાય અપાવવા પોલીસ સમક્ષ દાદ માંગી છે.


