Get The App

રાજકોટમાં આજે મધ્યરાત્રિથી 112 નંબરની જનરક્ષક સેવાનો પ્રારંભ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં આજે મધ્યરાત્રિથી 112 નંબરની જનરક્ષક સેવાનો પ્રારંભ 1 - image


100  નંબર ટુંક સમયમાં ભૂતકાળ બની જશે : પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ માટે અલગ-અલગ નહીં પરંતુ એકમાત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે

રાજકોટ, : રાજકોટવાસીઓને પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડીકલ ઈમરજન્સી માટે અનુક્રમે 100, 101 અને 108 નંબર ડાયલ કરવા પડતા હતા. હવેથી આ ત્રણેય ઈમરજન્સી સેવા માટે અલગ-અલગ નહીં માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. 

112નીસેવા આવતીકાલ મધ્યરાત્રિથી શરૂ થઈ જશે તેમ ઝોન-રનાં ડીએસપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું છે કે શહેરની તમામ 74 પીસીઆર વાન કે જેમાં અગાઉ ડાયલ 100 લખેલું હતું તેની જગ્યાએ હવે ડાયલ 112 લખેલું રહેશે.   108 સેવાની તર્જ પર 112 નંબરની સેવા કાર્ય કરશે. જેનો કન્ટ્રોલ રૂમ ગાંધીનગરમાં રહેશે. 112 નંબર ઉપર કોલ કરનારને જો પોલીસની મદદની જરૂર હશે તો તત્કાલ કંટ્રોલ રૂમમાંથી તેના નજીકના પોલીસ મથકની પીસીઆર વાનને કોલ મળશે.  આ જ રીતે જો ફાયર બ્રિગેડની જરૂર હશે તો નજીકના સ્ટેશનના ફાયર ફાઈટરોને અને જો 100 ની સેવાની જરૂર હશે તો નજીકની એમ્બ્યુલન્સને કોલ મળી જશે. 100 નંબર તો હજુ ચાલુ જ રહેશે. પરંતુ જયારે પણ 112ની સેવા સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ જશે તેના પછી દેશભરમાં સૌથી પ્રચલિત 100 નંબર ભૂતકાળ બની જશે. આગળ જતા જાણકારીના અભાવે કોલર જો પોલીસની મદદ માટે 100 નંબર ડાયલ કરશે તો તે કોલ ઓટોમેટીક 112 નંબર ઉપર શિફટ થઈ જશે.  112 નંબરની સેવા ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ એટલે કે ઈઆરએસએસ તરીકે ઓળખાશે. આ સેવાનો કેન્દ્ર સરકાર દ્વારા 2017ના જાન્યુઆરી માસથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધીરે-ધીરે દરેક રાજય અને તેના શહેરોમાં આ સેવા કાર્યાન્વિત થઈ રહી છે.  112 નંબરનો યુરોપિયન સંઘના દેશોમાં પણ ઈમરજન્સી સેવા માટે ઉપયોગ કરાય છે. 

112 નંબર ડાયલ કરવા માટે મોબાઈલ ફોન અને લેન્ડલાઈન ફોનનો પણ ઉપયોગ કરી શકાશે. આ કોલની સેવા નિઃશુલ્ક રહેશે.  112 ની સેવાના પ્રારંભ સાથે રાજકોટની દરેક પીસીઆર વાનમાં એસઓપી મુજબ એક-એક વાયરલેસ સેટ, એક-એક ટેબ્લેટ કાર ચાર્જર (જનરક્ષક એપ્લીકેશન ઈન્સ્ટોલેશન માટે), ઈમરજન્સી લાઈટ, જીપીએસ, આગ બુઝાવવાના સાધનો, હથિયારો, ફર્સ્ટ એઈડ બોક્ષ, પાણીની બોટલ વગેરે રહેશે.  રાજકોટમાં 750  પોલીસ કર્મચારીઓને 112ને સેવાને લગતી તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કન્ટ્રોલ રૂમના 100 જેટલા અધિકારી અને કર્મચારીઓને પણ તાલીમ આપવામાં આવશે.  પહેલા તબક્કામાં દરેક પીસીઆર દીઠ 8 થી 10 કર્મચારીઓને કે જેમાં ડ્રાઈવર અને ઈન્ચાર્જનો સમાવેશ થાય છે, તેમને તાલીમ આપવામાં આવશે.  બીજા તબક્કામાં દરેક પોલીસ સ્ટેશન દીઠ બે-બે કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

Tags :