વડોદરાના આજવા સરોવરના 62 દરવાજામાંથી 1100 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં વહેતું થયું
Vadodara Monsoon Update : વડોદરા શહેરના ઐતિહાસિક આજવા સરોવરમાં પાણીની સપાટી વધીને આજે બપોરે 211.55 ફૂટ થઈ હતી. આજવા સરોવરના 62 દરવાજામાંથી હાલમાં 1100 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે. આજવા સરોવર અને તેના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા આજવા સરોવરની સપાટી વધી છે.
આજવામાં 24 કલાકમાં 73 મીમી, પ્રતાપપુરામાં 69 અને હાલોલમાં 74 મીમી વરસાદ નોંધાયો છે. આજવા 62 દરવાજાનું હાલ લેવલ 211 ફૂટ ઉપર મેન્ટેન કરવામાં આવ્યું છે. 211 ફૂટથી પાણી વધે એટલે 62 દરવાજામાંથી આપોઆપ નદીમાં પાણી વહેતું થાય છે. 15 ઓગસ્ટ સુધી 62 દરવાજાનું લેવલ 211 ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે, ત્યારબાદ પાણી 212 ફૂટ સુધી ભરી શકાય છે. 14 દિવસ પહેલા આજવાનું લેવલ 211 ફૂટથી વધુ થતાં 62 દરવાજામાંથી પાણી ચાલુ થયું હતું એ પછી ધીમી ગતિએ પાણી ચાલુ જ રહ્યું હતું. અઠવાડિયા પહેલા ઉઘાડ રહેતા 62 દરવાજામાંથી પાણી નીકળવું બંધ થયું હતું. સરોવરમાં પાણીની સપાટી 211 ફૂટથી પણ ઓછી કરી 208 ફૂટ સુધી તબક્કાવાર લાવવા માટે પંપીંગ સિસ્ટમ મૂકવામાં આવી છે, અને તેના પંપો અગાઉ ચાલુ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી કુદરતી રીતે જ પાણીનો નિકાલ 62 દરવાજામાંથી થઈ રહ્યો હોવાથી પંપિંગ બંધ કરાયું છે.