તારાપુરના 11 અને ખંભાતના બે ગામને સાવચેત રહેવા તાકીદ
- સાબરમતી નદીમાં 8,698 ક્યુસેક પાણી છોડાતા
- પૂરથી સંભવિત અસરગ્રસ્ત થનારા ગામોને સલામતીના પગલાં લેવા પૂર નિયંત્રણ કક્ષની સૂચના
આણંદ : સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૮૬૯૮ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલો છે. ત્યારે તારાપુરના ૧૧ અને ખંભાતના બે ગામને સાવચેત રહેવા તાકીદ કરાઈ છે.
અમદાવાદના વાસણા બેરેજના ૭ ગેટ બેથી અઢી ફૂટ ખોલવામાં આવેલા છે. ત્યારે પૂરથી સંભંવિત અસરગ્રસ્ત થનાર તમામ ગામોને સલામતીના યોગ્ય પગલાં લેવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર, પુર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો પૈકી તારાપુર તાલુકાના ૧૧ ગામો તથા ખંભાત તાલુકાના બે નદી કાંઠા ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. તારાપુર તાલુકાના ગામોમાં ગલીયાણા, રીંઝા, ખડા, મિલરામપુર, ચિતરવાળા, દુગારી,નભોઈ, મોટા કલોદરા, ફતેપુરા, પચેગામ, કાસબારા વગેરે ગામો તથા ખંભાત તાલુકાના ગોલાણા, પાંદડ જેવા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.