ફાર્મ હાઉસમાં દારૂના ગ્લાસ પકડીને ઝૂમતા 4 મહિલા સહિત 11 પકડાયા

મેંદરડા પોલીસનો અંબાળાની સીમમાં દરોડો : સુરત, ઉદયપુર, અમદાવાદ, મોરબી, રાજકોટના સ્ત્રી- પુરૂષો હાથમાં દારૂ ભરેલા ગ્લાસ લઈ ડાન્સ કરતા હતા ને પોલીસ ત્રાટકી
જૂનાગઢ, : મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલા ફાર્મમાં પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણતા 4 મહિલા સહિત 11ને પકડી લઈ 53 હજારના દારૂ અને બિયર સહિત 10.53નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મહિલાઓ અને પુરૂષો સુરત, અમદાવાદ, ઉદયપુરથી દારૂની મહેફિલ માણવા છેક ગીરમાં પહોચ્યા હતા.
આ અંગેની વધુ વિગત મુજબ મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં મહિલાઓ અને પુરૂષો દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળી હતી. આથી મેંદરડા પી.આઈ. પી.સી. સરવૈયા સહિતના સ્ટાફે ગતરાત્રીના આ સ્થળે દરોડો પાડવા વાહનો થોડે દૂર ઉભા રાખી પગપાળા આ ફાર્મ હાઉસ સુધી પહોંચ્યા હતા, જ્યાં ફાર્મ હાઉસના મકાનમાં મહિલાઓ અને પુરૂષ હાથમાં દારૂનો ગ્લાસ લઈ સંગીત સાથે ડાન્સ કરતા હતા. પોલીસે ડાન્સ કરતા શખ્સોને કોર્ડન કરી ગીત સંગીત બંધ કરાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી માળિયાહાટીના તાલુકાના મેહુલ હરદાસ બારડ (ઉ.વ. 46), રાજકોટના અંબિકા ટાઉનશીપમાં હેવન હિલ્સમાં રહેતા મુકેશ નરસી પણસારા, રાજદીપ સોસાયટીના કેવલ અર્જુન ચોવટીયા, નાના મવા મેઇન રોડ પર રહેતા દર્શન જગદીશ છત્રાળા, મોરબીના રવાપર રેસીડેન્સીમાં રહેતા હરીશ જશવંત ભેંસદડીયા, મોરબીના ખાનપરના મનીષ જીવણ રગિયા, ધવલ ખીમજી ઘોડાસરા, સુરત આવાસ માનસરોવર સોસાયટીના સીતાબેન વિશાલ ગુપ્તા, મોરબીના આકૃતિબેન નિશાબેન પંકજગીરી મેઘનાથી, અમદાવાદના હરિકૃષ્ણ પાર્ક સોસાયટીના નિરાલીબેન જયેશ સોલંકી અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના અને હાલ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેતા મમતાબેન રવિ મીણાને નશો કરેલી હાલતમાં પકડી લીધા હતા.
પોલીસે 13 મોબાઈલ ફોન, 28 બોટલ દારૂ, 17 ટીન બીયર, દારૂની અધૂરી બોટલ, 4 મોટરકાર મળી કુલ 10.53 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આમ, અંબાળાની સીમમાં આવેલા ફાર્મમાં દારૂની મહેફિલ માણતા મહિલા સહિત 11 શખ્સ પકડાયાની બાબતથી ચકચાર વ્યાપી ગઈ હતી.








