Gujarat

વલ્લભવિદ્યાનગરથી આજથી 11 દિવસની એકતા યાત્રાનો પ્રારંભ

By GS TEAM
26 Nov 20251 min read
વલ્લભવિદ્યાનગરથી આજથી 11 દિવસની એકતા યાત્રાનો પ્રારંભ

- એકતાના સંદેશ સાથે 152 કિલોમીટરની  

- ઉદ્દઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાશે : રૂટ પર બંદોબસ્ત ગોઠવાયો 

આણંદ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રીય પદયાત્રાનો ઉદ્ઘાટન સમારોહ આજે સવારે ૯ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

આજે ૨૬ નવેમ્બર, બુધવારના રોજ કરમસદથી એકતાનગર સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પ્રારંભ થવાનો છે. જે સંદર્ભે ઉદ્દઘાટન સમારોહ આજે સવારે ૯ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અને ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતનાઓ ઉપસ્થિત રહેશે, જ્યારે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાશે. 

આ કાર્યક્રમમાં નેતાઓ અને હોદ્દેદારો સહિતનાઓ ઉપસ્થિત રહેવાના હોવાથી આણંદ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા દ્વારા સભાખંડ તથા આજુબાજુના વિસ્તારોની ચકાસણી હાથ ધરાઈ હતી. તેમજ અન્ય વ્યવસ્થાઓ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા યાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે, આણંદ-વિદ્યાનગર માર્ગ ઉપર કેટલાક સમયથી જોખમી વીજપોલ જોવા મળતા તેને કાપીને ખસેડી દેવામાં આવ્યો હતો.