Gujarat

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ

By GS TEAM
22 Jan 20262 mins read
કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ

સોજીત્રા રોડ પરના 'સ્વયં શેફાયર' કોમ્પ્લેક્સની 57, 'સુકિર્તન ફ્લોરા'ની ૫૨ દુકાનો

રૂ. ૨૪,૪૫,૪૮૩ બાકી વેરો નહીં ભરતા તંત્રની તવાઈ : અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા ૪,૮૪,૪૩૨ બાકી વેરો વસૂલાયો

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલી મિલકતોનો બાકી પડતો વેરો જમા કરાવે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બુધવારે રૂપિયા રૂ.૧૨,૨૦,૯૬૩ બાકી વેરો ભરપાઈ ન કરતા આણંદ-સોજીત્રા રોડ પર આવેલા 'સ્વયં શેફાયર' કોમ્પ્લેક્સની ૫૭ દુકાનો અને ગુરૂવારે 'સુકિર્તન ફ્લોરા'માં બાકી વેરો રૂપિયા ૧૨,૨૪,૫૨૦ ભરપાઈ ન કરનાર ૫૨ જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે.

કરમસદ-આણંદ મહાનગર પાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલી મિલકતોનો બાકી પડતો વેરો જમા કરાવે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત કરમસદ-ગાના રોડ ઉપર આવેલા 'સુકિર્તન ફ્લોરા'માં બાકી વેરો રૂપિયા ૧૨,૨૪,૫૨૦ ભરપાઈ ન કરનાર ૫૨ જેટલી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા ૩,૨૫,૬૨૮ નો બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.

ગત રોજ મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા સોજીત્રા રોડ ઉપર આવેલ ૫૭ જેટલી દુકાનો બાકી વેરોનો ભરવાને કારણે સીલ કરવામાં આવી હતી. આમ, મહાનગરપાલિકાની ટીમ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન ૧૦૯ દુકાનો બાકી વેરો ન ભરવાને કારણે સીલ કરવામાં આવી છે. આ ઝુંબેશ હાલ ચાલુ રહેશે અને કોઈપણ દુકાનદાર દ્વારા બાકી વેરો ભરપાઈ નહીં કરવામાં આવે તો આવી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે. 

મહાનગરપાલિકાની ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા બાકી પડતો વેરો ભરપાઈ ન કરનાર તમામ દુકાનદારો /હોટલ માલિકોને જણાવવામાં આવ્યું છે કે, મનપાની નોટિસ મળેથી તાત્કાલિક બાકી વેરો જમા કરાવીને મહાનગરપાલિકાને સહયોગ કરવો, જે દુકાનદારો દ્વારા બાકી વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.