સુરતમાં વધુ 109 શંકાસ્પદ બાંગ્લાદેશી ઝડપાયા, ગેરકાયદે વસવાટ કરતાં કુલ 239ની પોલીસે કરી અટકાયત
Surat News : ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને લગભગ એક હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ બાંગ્લાદેશી લોકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે રવિવારે (27 એપ્રિલ, 2025) સુરતમાં વધુ 109 શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સો ઝડપાતા સુરતમાંથી કુલ 239 લોકોની અટકાયત કરવામાં આવી છે.
કુલ 239 શંકાસ્પદ બાંગ્લાદેશી ઝડપાયા
રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના જિલ્લામાં ગેરકાયદે રહેતા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરીને જરૂરી ડોક્યુમેન્ટ ચકાસવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં 1000થી વધુ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા છે. જેમાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ, LCB, SOG સહિતના પોલીસકર્મી-અધિકારીની 12 ટીમ દ્વારા સુરત જિલ્લામાં વસવાટ કરતાં કુલ 239 શંકાસ્પદ બાંગ્લાદેશી લોકો ઝડપી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રાજકોટમાંથી ઝડપાયા 10 બાંગ્લાદેશી, ગુજરાતમાં અત્યાર સુધી 1000થી વધુ શંકાસ્પદની અટકાયત
રાજકોટમાંથી 10 બાંગ્લાદેશી ઝડપાયા હતા
ગુજરાતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને દેશનિકાલ કરવાની માહિતી મળી છે, ત્યારે પોલીસ દ્વારા 25 એપ્રિલ, 2025ના રોજ રાજકોટમાંથી કુલ 800થી વધુ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 10 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મળી આવ્યા હતા. આ લોકો પશ્ચિમ બંગાળની બોર્ડર પરથી ભારતમાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.