જામનગરની જી.જી.હોસ્પિટલમાં 108 નંબરની એમ્બ્યુલન્સ આડેધડ પાર્કિંગને લીધે ફસાઈ જવાની રોજબરોજની ઘટના
Jamnagar G G Hospital : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દર્દીઓને સારવાર માટે લઈને આવતી 108 નંબરની એમ્બ્યુલન્સને પણ પાર્કિંગના જમેલામાં ફસાઈ જવાનો વારો આવે છે, અને આવી ઘટના રોજબરોજ બનતી હોય છે. જેથી 108ની ટીમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
જી.જી.હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે સિક્યુરિટી ગાર્ડની ડ્યુટી ફાળવાઈ છે. પરંતુ કાયમી રીતે અહીં સિક્યુરિટી ગાર્ડ ગાયબ જ રહે છે, જેના કારણે ટ્રાફિકની કાયમ સમસ્યા રહે છે.
જી.જી. હોસ્પિટલના મુખ્ય દ્વારના ઢાળીએથી 108 નંબરની એમ્બ્યુલન્સને નીચે ઉતરવા માટેના માર્ગે કેટલાક ટુવ્હીલર ચાલકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દે છે, જેને લઈને 108 ની એમ્બ્યુલન્સને પસાર થવા માટેનો રસ્તો અવરોધાય છે. ગઈકાલે એક 108 ની એમ્બ્યુલન્સ ટ્રાફિકના જમેલામાં ફસાઈ હતી, અને 108ની ટીમને ભારે કસરત કરવી પડી હતી.
મુખ્ય દરવાજા પાસે કોઈપણ સિક્યોરિટી ગાર્ડ ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી જી.જી.હોસ્પિટલના સત્તાવાળાઓએ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને ફરજમાં દાંડાઈ કરતા સિક્યુરિટી ગાર્ડ સામે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.