જિલ્લામાં 350 ગ્રામસેવકોની જરૂરિયાત સામે 107 નું મહેકમ, 19 જગ્યા ખાલી

- ગ્રામસેવકોના શિરે સરકારી યોજનાઓની કામગીરીની જવાબદારી
- માત્ર 88 ગ્રામસેવકો જ હોવાથી મહિનાના ત્રીસેય દિવસ કામગીરીનું ભારણ, તહેવારોમાં પણ કામ કરે ત્યારે સમયાવધિમાં કામગીરી સંપન્ન થાય
વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ખેતીવાડીની જુદીજુદી યોજનાઓ સમયાંતરે મૂકવામાં આવતી હોય છે. આ યોજનાઓની સંખ્યા ૫૦થી વધુ છે. કઈ યોજનામાં ખેડૂતોને સહાય, સબસીડી વગેરે મળવાપાત્ર છે. તે વિશેની સમજણ આપવાનું કામ ગ્રામસેવકો દ્વારા કરવામાં આવતું હોય છે. એમાં પણ છેલ્લા કેટલાક વખતથી તો ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર જ એપ્લાઈ થવાનું છે. આ ખેડૂત અરજદારોની અરજીને મંજૂરી આપવાથી શરૂ કરીને ચૂકવણું થાય ત્યાં સુધીની જવાબદારી ગ્રામસેવકોએ નિભાવવાની હોય છે. એ જ રીતે પાક નુકસાની સર્વે, ક્રોપ કટિંગ, માટીના નમૂના લેવા સહિતની ધૂરા સંભાળતા હોય છે અને તાલુકાની જે કોઈ ઈત્તર પ્રવૃત્તિ સુપ્રત કરવામાં આવે તે અલગ.
આ સ્થિતિમાં ગ્રામસેવકો ખેતીવાડી માટે કરોડરજ્જુ સમાન છે. હવે એક તરફ યોજનાઓનો વ્યાપ વધતો જાય છે અને બીજી બાજુ જિલ્લાના ૭૦૨ ગામમાંથી ખેતીનું મહેકમ એ જ વર્ષો જૂનું ૧૦૭ ગ્રામ સેવકનું છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો બે ગામ દીઠ એક ગ્રામસેવક ગણવામાં આવે તો પણ ઓછામાં ઓછા ૩૫૦ ગ્રામસેવકોની આવશ્યકતા રહે છે. પરંતુ તેની સામે ગ્રામ સેવકની માત્ર ૮૮ જગ્યા જ ભરાયેલી છે. જિલ્લામાં ૬ ગામનું એક ક્લસ્ટર છે. આમ, ક્લસ્ટર દીઠ ૧ ગ્રામસેવક ફરજ બજાવે છે. પરિણામે ગ્રામસેવકોને મહિનાના ત્રીસેય દિવસ કામગીરી રહે છે. તહેવારોમાં પણ કામ કરે ત્યારે નિર્ધારિત સમયાવધિમાં કામગીરી પૂર્ણ થતી હોય છે.








