Get The App

સોમનાથ પર આક્રમણને 1000 વર્ષ પૂરા 17 હુમલા કરનારા હાર્યા, આસ્થાનો વિજય

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
સોમનાથ પર  આક્રમણને 1000 વર્ષ પૂરા 17  હુમલા કરનારા હાર્યા, આસ્થાનો વિજય 1 - image

જેસલમેર,પાટણ, ઉના દેલવાડા થઈ મહમુદ 1026માં સોમનાથ પર ત્રાટક્યો હતો : વાજપેયીએ કહ્યું હતું આક્રમણ મારા કાંટો બની હૃદયમાં ભોંકાય છે : ગઝનીનો મહમુદ મામુલી લૂંટારો હતો પણ આપણે લોકોને શસ્ત્રો ઉપાડવા દીધા ન્હોતા 

 રાજકોટ, : દેવાધિદેવ મહાદેવના ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગ પૈકીના સૌપ્રથમ સ્થાપિત સોમનાથ મહાદેવ મંદિર ઉપર તુર્કી લૂંટારા ગઝનીના અધર્મી-હિંસક શાસક મહમુદે આશરે 1500 કિ.મી.દૂરથી આવીને હુમલો કર્યો તેને ૧૦૦૦ વર્ષ પૂરા થયા છે. મહમુદ ગઝનવી ઉપરાંત ઔરંગઝેબ સહિત અન્ય લૂંટારૂઓએ આ મંદિર ઉપર કૂલ ૧૭ વાર હુમલા કર્યા પરંતુ, આજે હુમલા કરનારા ધરતીમાં ધરબાઈ ગયા છે જેનું ઈતિહાસમાં પણ કોઈ નામ નથી ત્યારે મંદિર દરેક હુમલા પછી પુનઃનિર્માણ પામવા સાથે લોકોની મંદિર પ્રત્યેની આસ્થા અને મંદિરની ભવ્યતા વધતા જ ગયા છે અને કોઈ ધર્મસ્થાનનો નાશ કરવાથી લોકોની શ્રધ્ધા તુટતી નથી પણ વધુને વધુ દ્રઢ બને છે તેનો મેસેજ આ મંદિર સદીઓથી આપતું રહ્યું છે. 

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ એકવાર પ્રવચનમાં કહ્યું હતું, જ્યારથી સોમનાથ પર હુમલાની કથા કિશોરાવસ્થામાં જાણી છે ત્યારથી તે મારા હૃદયમાં તે કાંટાની જેમ ભોંકાય છે. પ્રાચીના એ યુધ્ધમાં  જેટલા લોકો લડતા હતા તેનાથી વધારે બહાર ઉભા રહીને પરિણામની પ્રતીક્ષા કરતા હતા, આપણે લોકોને માર્શલ-નોનમાર્શલમાં વિભાજીત કરી દઈ લોકોને હથિયાર લડવાના અધિકારથી વંચિત રાખ્યા, જે ક્ષત્રિયો છે, રાજાઓ છે તે લડશે...લોકોએ હથિયાર ન ઉપાડયા.તેઓ વિદેશમંત્રી તરીકે અફઘાનિસ્તાન ગયા ત્યારે ગઝની ગામની મુલાકાતને ટાંકીને કહ્યું હતું- ગઝની નાનકડુ ગામ છે અને વર્ષો પહેલા તે ઝુપડપટ્ટી હતું,મહમુદ ગઝનીનું અફઘાનિસ્તાનના ઈતિહાસમાં કોઈ સ્થાન નથી. એક લૂંટારૂ અન્ય લૂંટારૂઓને ભેગા કરીને સોનાની ચિડિયા લૂંટવા આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ઈતિહાસકારો મૂજબ લૂંટારૂ મહમુદ જેસલમેરના રસ્તે થઈ ગુજરાતના પાટણ અણહિલવાડ, ઉના પાસે દેલવાડા થઈને સોમનાથ આવ્યો હતો અને મંદિરનો ધ્વંશ કરી, હજારોની ક્રૂરતાથી હત્યા કરી 2 કરોડ દિનારની કિંમતની વસ્તુ લૂંટીને અફઘાન પહોંચ્યો હતો. આ લૂંટના પાંચ વર્ષમાં 1030માં ગંભીર બિમારીથી તે મોતને ભેટયો. ત્યારપછી અન્ય લૂંટારૂઓએ 17 વાર મંદિર પર આક્રમણ કર્યું જે ધરતીમાં ધરબાઈ ગયા પણ દરેક હુમલા પછી મંદિર વધુ તાકાતથી પુનઃનિર્માણ પામ્યું  છે. ઈ.સ. 1169માં કુમારપાળ દ્વારા, ઈ.સ. 1308માં મહિપાલ-1 દ્વારા અને 1783માં મૂળ સ્થાન પાસે અહલ્યાબાઈએ મંદિરનું નિર્માણ કરાવ્યું. 

ભારતને આઝાદીના ત્રણ માસમાં સરદાર પટેલ તા. 13-11-1947ના મંદિરની મુલાકાતે આવ્યા અને પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો, હાલ જે ભવ્ય મંદિરના દર્શન થાય છે તેનું નિર્માણ લોકોના ફાળાથી થયું જેમાં જામનગરના રાજવી દિગ્વિજયસિંહ જાડેજાએ 1.51 લાખનું દાન તેમજ નાનજી કાલીદાસ મહેતા સહિત અનેકે દાન આપ્યું હતું. તા. 11 મે 1951માં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદની હાજરીમાં તેની પ્રાણ પ્રતિષ્ઠાવિધિ થઈ હતી. સોમનાથ ટ્રસ્ટમાં વડાપ્રધાન અધ્યક્ષ પદે છે. મંદિર પરિસરમાં કાયમી ઝેડ પ્લસ સુરક્ષા હોય છે. મંદિર ધ્વંશના એક હજાર વર્ષ પૂરા,મંદિર પુનઃનિર્માણના 75 વર્ષના આ પ્રસંગ અન્વયે આજથી મંદિર પરિસરમા ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે.