વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા નહીં લેવાય
Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગપુલો ખાતે આવતા આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા લેવાશે નહીં કોર્પોરેશનની સામાન્ય સભાએ મેન્ટેનન્સ ફી વસુલ કરવાના નિર્ણયને હાલ સ્થગિત કરવા મંજૂરી આપી છે. કોર્પોરેશનને મુખ્યત્વે ચાર સ્વિમિંગ પૂલ છે. જેમાં લાલબાગ સ્વિમિંગ પૂલ સૌથી જૂનો છે, જ્યાં આશરે 15000 આજીવન સભ્યો છે. જ્યારે સરદારબાગ સ્વિમિંગ પૂલના 12 થી 15 હજાર સભ્યો છે. રાજીવ ગાંધી સ્વિમિંગ પુલના આશરે 3 થી 4 હજાર આજીવન સભ્યો છે, જ્યારે કારેલીબાગ સ્વિમિંગ પૂલ વર્ષ 2017 માં શરૂ થયો છે, ત્યાં સભ્યોની સંખ્યા બહુ ઓછી છે. આજીવન સભ્યની નોંધણી વખતે 5500 લેવામાં આવે છે. જે વ્યક્તિ તરણ શીખવા માટે આવે છે, તેની પાસેથી મહિને 850 લેવાય છે. જ્યારે જે સ્વિમર હોય છે તેની પાસેથી 550 લેવાય છે, અને વાર્ષિક 4500 લેવામાં આવે છે.
આ સિવાય બીજી કોઈ ફી લેવામાં આવતી નથી.પાલિકાના વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં સામાન્ય સભામાં ચર્ચા દરમ્યાન પદાધિકારીઓ તેમજ સભાસદો દ્વારા કેટલાક સુચનો કરાયા હતા, જે પૈકી સ્વિમિંગપુલો ખાતેના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા વસુલ કરવા સૂચન કર્યું હતું. જેને બજેટ મંજૂર કરતી વખતે સમગ્ર સભાએ બહાલી આપી હતી, પરંતુ આ નિર્ણયની ફેર-વિચારણા કરવા રજૂઆત કરવામાં આવતા નિર્ણયને સ્થગિત કરવા માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જે મંજૂર કર્યા બાદ અંતિમ નિર્ણય લેવા સમગ્ર સભામાં દરખાસ્ત મુકવામાં આવતા સમગ્ર સભાએ દરખાસ્ત મંજૂર કરતા હવે આજીવન સભ્યો પાસેથી 1000 મેન્ટેનન્સ ફી તરીકે લેવાશે નહીં.