Get The App

બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ 1 - image


- નદી, નાળા, વોકળા, જળાશયો છલકાતા સિંચાઈ-પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે

- ગઢડા અને બરવાળામાં 28 ઈંચથી વધુ, બોટાદમાં 27 ઈંચ જેટલો અને રાણપુરમાં 15.68 ઈંચ વરસાદ વરસ્યો

ભાવનગર : બોટાદ જિલ્લામાં સતત ત્રીજા વર્ષે ચોમાસુ સો આની રહે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ત્રણ તાલુકામાં સિઝનનો સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. એક માત્ર રાણપુરમાં મેઘરાજાના રૂઠમણાં રહ્યા છે. ગઢડા અને બરવાળામાં ૨૮ ઈંચથી વધુ, બોટાદમાં ૨૭ ઈંચ જેટલો અને રાણપુરમાં ૧૫.૬૮ ઈંચ પાણી વરસ્યું છે.

બોટાદ જિલ્લામાં ઓણ સાલ ચોમાસાની ઋતુમાં શ્રીકાર વર્ષા થઈ છે. બોટાદ, ગઢડા અને બરવાળા પંથકમાં મેઘરાજા મનમુકીને વરસતા ૨૪મી ઓગસ્ટની સ્થિતિએ જિલ્લામાં સરેરાશ ૬૧૭.૭૫ મિ.મી. (૯૬.૫૨ ટકા) વરસાદ વરસી ચુક્યો છે. જેના કારણે જિલ્લામાં સરેરાશ ૧૦૦ ટકા મેઘમહેરમાં હવે માત્ર એક ઈંચથી પણ ઓછા વરસાદની જરૂરિયાત છે. ચોમાસાની ઋતુના પ્રારંભે જ ધોધમાર વરસાદના કારણે નદી, નાળા, વોકળા, જળાશયો છલકાતા લોકોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવી આશા છે.

આ વર્ષે ચોમાસા દરમિયાન બોટાદમાં સરેરાશ ૬૨૫ મિ.મી.ની સામે ૨૪મી ઓગસ્ટ સુધીમાં ૬૭૦ મિ.મી. (૧૦૭.૨૦ ટકા), બરવાળામાં ૬૮૨ મિ.મી.ની સામે ૭૦૧ મિ.મી. (૧૦૨.૭૯ ટકા) અને ગઢડા પંથકમાં ૬૧૬ મિ.મી.ની સામે ૭૦૮ મિ.મી. (૧૧૪.૯૪ ટકા) વરસાદ વરસી ચુક્યો છે. એક માત્ર રાણપુરમાં ૬૩૭ મિ.મી.ની સામે હજુ માંડ ૩૯૨ મિ.મી. (૬૧.૫૪ ટકા) વરસાદ થયો છે.

પાછલા 2 વર્ષમાં 114 ટકાથી વધુ વરસાદ વરસ્યો

બોટાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં ૧૧૪.૨૧ ટકા અને વર્ષ ૨૦૨૪માં ૧૧૪.૨૨ ટકા વરસાદ થયો હતો. આ વર્ષે ૧૦૦ ટકા વરસાદમાં હવે માત્ર ૨૨.૨૫ મિ.મી. મેઘમહેરની જ ઘટ છે. જે ઘટ આગામી થોડા દિવસોમાં ભરાતા ૧૦૦ ટકા વરસાદની હેટ્રિક થવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે.

3 જળાશય ઓવરફ્લો, બે ડેમમાં અર્ધોથી વધુ જળ સંગ્રહીત

બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરના કારણે આજની સ્થિતિએ ત્રણ ડેમ ઓવરફ્લો છે. ખાંભડા ડેમમાં ૧૫૦ ક્યુસેક, કાળુભારમાં ૩૦૦ ક્યુસેક અને ગોમા ડેમમાં ૬૩ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ છે. તેમજ લીંબાડી અને કાનિયાડ ડેમમાં ૪૦-૪૦ ક્યુસેક પાણીની માત્ર આવક શરૂ છે. બે ડેમમાં અર્ધોથી વધુ જળ સંગ્રહીત છે. લીંબાડી ડેમ ૬૩.૪૪ ટકા અને કાનિયાડ ડેમ ૭૩.૩૮ ટકા ભરેલો હોવાનું સિંચાઈ વિભાગમાંથી જાણવા મળ્યું છે.

Tags :