નડિયાદ હેલીપેડથી મરીડા ચોકડી સુધી રિંગ રોડ 100 મીટર ધોવાયો
- રિંગ રોડ ઉપર ફરી ખાડાં પડતા હાલાકી
- રોડની બદતર હાલતથી વાહનોને થતું નુકસાન અકસ્માતનો ભય છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી
નડિયાદ હેલીપેડ ચોકડીથી મરીડા ચોકડી તરફ જતા રિંગ રોડ પર પ્રથમ ૧૦૦ મીટરમાં જ રોડ ધોવાઈ ગયો છે. ડામર અને માટી એકબીજામાં ભળી જતાં રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે. છેલ્લા ઘણાં વર્ષોથી આ સમસ્યા યથાવત છે. મોટા વાહનચાલકો ઉપરાંત, રોજિંદા અવરજવર માટે જતા આસપાસના હજારો નાગરિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની અને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. રોડની વારંવારની ખરાબ હાલત પાછળ માર્ગ અને મકાન નેશનલ વિભાગ અને સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા થતી કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. નબળી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ અને કામગીરીમાં બેદરકારીના કારણે થોડા સમયમાં જ રોડ તૂટી જાય છે, જેના પરિણામે પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે. તંત્રની આ બેદરકારી સામે લોકોમાં આક્રોશ છે.