યુનિ.માં 1700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય શરુ થઈ ગયું છે પરંતુ વિદેશી વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી હજી પણ ચાલી રહી છે.મળતી વિગતો પ્રમાણે આઈસીસીઆર( ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ) આ વર્ષે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ૧૭૦૦ જેટલા પ્રવેશ ફોર્મ ભરાયા છે.જેની સામે અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ થયો છે.
આ પૈકીના ૩૫ જેટલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવી ગયા છે.જેમને પ્રવેશ મળી ગયો છે તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ આફ્રિકન દેશોના છે.જેમાં માડાગાસ્કર, ઈથોપિયા, બોટસવાના, મોઝામ્બિક, આઈવરી કોસ્ટ, સાઉથ સુદાન, ગામ્બિયા, ઘાના, યુગાન્ડા, તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે.આ વર્ષે વિએતનામ, થાઈલેન્ડના વિદ્યાર્થીઓના પણ એડમિશન કન્ફર્મ થયા છે.મોટાભાગના વિદ્યાર્થીઓને સાયન્સ, ફાર્મસી, એન્જિનિયરિંગ, આર્ટસમાં પ્રવેશ અપાયો છે.
યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના સૂત્રોનું કહેવું છે કે, દરેક દેશમાં કાર્યરત એમ્બેસીની મંજૂરી બાદ એડમિશનની કાર્યવાહી આગળ વધતી હોય છે.વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહ સુધી ચાલશે.વિદેશી વિદ્યાર્થીઓ માટે વધારાના લેકચરની વ્યવસ્થા કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૭૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા હતા.અત્યારે કેમ્પસમાં ૪૦૦ કરતા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.