Gujarat

વલસાડ પંથકમાં વધુ 4 સહિત 10, પોરબંદર પાસે 12 હળવા આંચકા

By GS TEAM
19 Sep 20252 mins read
વલસાડ પંથકમાં વધુ 4 સહિત 10, પોરબંદર પાસે 12 હળવા આંચકા

ભૂગર્ભ જળસ્તરમાં ફેરફારથી હળવા કંપનનો સિલસિલો  : આઈએસઆર દ્વારા 2.5થી ઓછી તીવ્રતાના કંપનો જારી કરાયા : પોરબંદરના બરડા વિસ્તારના પેટાળમાં ચહલપહલ

 રાજકોટ, :સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ચોમાસાના પગલે પૃથ્વીના પેટાળમાં હળવા-મધ્યમ ભૂકંપના આંચકાનો સિલસિલો શરૂ થયો છે. ગત  તા. 10થી આજે તા. 19 સુધીના 10  દિવસમાં જ આજે વલસાડ પંથકમાં વધુ 4 સહિત 10 અને પોરબંદર પંથકમાં ગઈકાલે 1 સહિત 12 ભૂકંપના આંચકા નોંધાયા છે. ઉપરાંત, કચ્છના રાપર, ભચાઉ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિ.ના વાવ પાસે એમ 3 સ્થળે 2.50થી વધુ તીવ્રતાના ભૂકંપ સહિત રાજ્યમાં 25  આંચકા આ સમયમાં નોંધાયા છે.  આજે વલસાડથી 35  કિ.મી.દક્ષિણ-પૂર્વ દિશાએ એક જ લોકેશન પર રાત્રિના 2-48થી સવારે 5-04 સુધીમાં ઉપરાઉપરી 2.2, 2.4, 20.9ની તીવ્રતાના 4 આંચકા નોંધાયા હતા. આ ઉપરાંત ગઈકાલે, તા. 15, તા. 14, તા. 12ના પણ 6 હળવા ભૂકંપો આવ્યા હતા. 

પોરબંદરથી 32-34  કિ.મી.ના અંતરે ઉત્તર-પૂર્વ દિશાએ બરડા અભ્યારણ્ય વિસ્તારમાં ગત તા. 10ના ઉપરાઉપરી ચારઆંચકા, તા. 12ના 1, તા. 13ના 2, તા. 14, 15, 16 અને ગઈકાલ તા. 18 એમ 4 દિવસ સહિત 12 આંચકા નોંધાયા હતા જે જમીનમાં માત્ર 3થી 5 KM ઉંડાઈએ છીછરી સપાટીએ હતા. 

કચ્છ સહિત સમગ્ર રાજ્યની ધરતીના પેટાળમાં અનેક ફોલ્ટ્સ અને ફોલ્ટલાઈન્સ આવેલ છે અને આ વર્ષે રાજ્યમાં સરેરાશ 38.50 ઈંચ (મોસમનો 108 ટકા) વરસાદ વરસ્યો છે અને તે પણ એક સાથે ધોધમાર સ્વરૂપે વરસ્યો છે. સિસ્મોલોજી સેન્ટરના સૂત્રો અનુસાર દર ચોમાસા વખતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર થતો હોય છે જેના પગલે આવા હળવા આંચકા સામાન્ય છે, મોટી ફોલ્ટલાઈન નથી તેથી મોટા આંચકાની શક્યતા નહી જેવી હોય છે.