આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા
- કરમસદ- આણંદ મનપાની ટીમ દ્વારા
- ઓગસ્ટ મહિનામાં 176 પશુઓ પકડાયા : રખડતા પશુના માલિકો વિરૂદ્ધ કાર્યવાહીની ચિમકી
કરમસદ- આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન મનપા વિસ્તારમાંથી ૧૭૬ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેમાં આજે આણંદના મંગળપુરા વિસ્તાર અને વિદ્યાનગર શહેરી વિસ્તારમાંથી ૧૦ પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને કારણે આમ જનતાને તકલીફ સહન કરવી પડતી હોય છે, તેથી પશુપાલકો પોતાના પશુઓને યોગ્ય જગ્યાએ રાખે તે જરૂરી હોવાથી જાહેર રસ્તા પર પશુઓને ન જવા દેવા માટે જણાવવામાં આવે છે. અન્યથા જાહેર રસ્તા પર રખડતા પશુઓને મનપાની ટીમ દ્વારા પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે.
આવા પશુપાલકો સામે કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી પણ કરવામાં આવશે.