છાણી પ્રવેશદ્વારની 10 દુકાનો વર્ષોથી બંધ હાલતમાં
વેપારી રસ દાખવે તો પણ દુકાનો માર્ગની વચ્ચોવચ હોવાથી જોખમી
કોર્પોરેશન દ્વારા છાણી પ્રવેશ દ્વાર ખાતે 10 દુકાનો બનાવવામાં આવી હતી. જો કે, આ દુકાનો વર્ષોથી બંધ હાલતમાં હોય નાણાનો વેડફાટ સામે આવ્યો છે. અગાઉ આ દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટેના પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા છે.

છાણી પ્રવેશ દ્વાર ખાતે વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તાની વચ્ચોવચ પાર્કિંગ સુવિધા વિનાની 10 દુકાનોનું નિર્માણ કરાયું હતું. અનેક વખત હરાજીની પ્રક્રિયા કરવા છતાં કોઈ રસ નખાવતા દુકાનો વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. દુકાનોના બાંધકામ અગાઉ આ આયોજનથી કોર્પોરેશનને નુકસાન પહોંચશે તેવી ભીતિ વિપક્ષે વ્યક્ત કરી હતી. તેમ છતાં સૂચનોની અવગણના કરી આ પ્રકારના આયોજન કરાતા પ્રજાના પરસેવાની કમાણીના રૂપિયાનો વેડફાટ થયો હોય તેમ લાગી રહ્યું છે. છાણી વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ દુકાનો હાઇવે પર છે, એટલે કોઈ લેવા તૈયાર થાય નહીં કારણ કે ગ્રાહકો આવે તો વાહન પાર્કિંગ ક્યા કરે તે પણ મોટો પ્રશ્ન છે.