ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 10 વ્યક્તિઓને ઈજા
- રિક્ષા અને બાઈક પલટી ગઈ
- બે સ્થળે કૂતરાં આડા આવ્યા, એસટીએ સાઈકલને અને ટ્રકે બુલેટને ટક્કર મારી
નડિયાદ તાલુકામાં ટુંડેલમાં રહેતા કિરણભાઈ ભુપતભાઈ બેલદાર અને અજયભાઈ ભુપતભાઈ બેલદાર બાઈક પર મંગલપુરા જતા હતા. ત્યારે બિલોદરા હાઇવેના બ્રિજ નજીક સાઈ દર્શન સોસાયટી સામે રોડ ઉપર કૂતરૂં આવતા બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ જતા બાઈક સવાર બંનેને ઈજા થઈ હતી.
બીજા બનાવમાં નડિયાદ મરીડા ભાગોળ મોઈન પાર્ક સોસાયટીના ગુલનાજ સોહેલહુસેન મલેક રિક્ષામાં મહુધા જતા હતા. ત્યારે વીણા પાટીયા નજીક રોડ ઉપર કૂતરૂ આવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં બેઠેલા ગુલનાઝ મલેક, રિક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિને ઈજા થઈ હતી. જ્યારે વસો તાલુકાના મલિયાતજ ગામમાં રહેતા સોનલબેન પ્રવીણભાઈ ગોહિલ ગઈકાલે સવારે ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા. ત્યારે ખેતરે સાઈકલ લઈને જતા તેમના બે દીકરા રિતેશ અને હાદકને લવાલ રોડ ઉપર એસટી બસે ટક્કર મારતા રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી.
નડિયાદમાં રહેતા પાર્થ ઉર્ફે બંટી મુકેશભાઈ રાણા અને તેમના મિત્રો સાથે ફરવા ગયા બાદ પરત આવતા હતા. ત્યારે નરસંડા નેશનલ હાઈવે બ્રિજ નજીક ટ્રકે બુલેટને ટક્કર મારતા બુલેટ ચાલક જીગ્નેશ રમણભાઈ કોટડ ટ્રક સાથે ઢસડાઈ નીચે આવી જતા ગંભીર ઈજા થઈ હતી. પાછળ બેઠેલા પાર્થ ઉર્ફે બંટીને પણ ઈજા થઈ હતી.