વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગી, સવારથી 10 કિલોમીટરનો જામ
Vadodara Traffic Jam : મુંબઈ-અમદાવાદ હાઈવે ઉપર વડોદરાથી કરજણ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા રોજેરોજ તૂટી રહી છે ત્યારે આજે સવારથી 10 કિલોમીટર જેટલો જામ લાગતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
વડોદરાથી કરજણ વચ્ચે બે વર્ષથી ચાલતી ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે અને તેને કારણે રોજે રોજ હવે ટ્રાફિકજામ થવા માંડ્યો છે. છેલ્લા બે દિવસથી ચારથી પાંચ કિલોમીટરનો જામ થાય છે ત્યારે આજે ફરી એકવાર સવારથી ખાડાઓને કારણે ટ્રાફિક જામ થયો છે.
આજે વડોદરા કરજણ આવતા પોરથી જાંબુઆ સુધી 10 km સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો છે. તો સામેની સાઈડે વડોદરાથી કરજણ જતા પોરથી બામણ ગામ વચ્ચે સાંકડા બ્રિજ અને ખાડાઓને કારણે ટ્રાફિકજામ થયો છે. લગભગ સવારે આઠ વાગ્યાથી જામ થયેલા વાહનો 10:30 વાગ્યા સુધી પણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આમ વડોદરા કરજણ હાઇવે પર ટ્રાફિકની વ્યવસ્થા સાવ જ પડી ભાંગી છે.