લીંબડી પાસે રાજકોટ-અમદાવાદ હાઈવે બ્રિજ ઉપર 10 ફૂટનું ગાબડું
પ્રજાના વધુ નાણાં, વધુ સમયનો વ્યય છતાં કામમાં પોલંપોલ બ્રિજની એક તરફ સ્લેબ પરનું પ્લાસ્ટર ઉખડી ગયું, તંત્રએ 6 કલાક રસ્તો બંધ કરીને મરમ્મત કરાવી
રાજકોટ, : સૌરાષ્ટ્રના ધોરીનસ જેવા રાજકોટ-અમદાવાદના ધોરી માર્ગને રૂ।. 2000 કરોડના જંગી ખર્ચની મંજુરી છતાં સીક્સ ટ્રેક કરવાનું કામ અત્યંત ઢીલુ હોવાથી તો લાખો વાહનચાલકો પરેશાન થયા જ છે હવે વધુ પડતા નાણાં અને સમય લેવા છતાં કામમાં દાખવાયેલી બેદરકારી રસ્તો ફોડીને બહાર ધસી આવી છે. આ હાઈવે પર લીંબડી પાસેના બ્રિજના સ્લેબ ઉપરનું પ્લાસ્ટર ઉખડીને આશરે દસ ફૂટનું ગાબડું પડતા અને સળિયા બહાર ધસી આવતા લોકોમાં તીવ્ર રોષની લાગણી સાથે ભ્રષ્ટાચારની શંકા જન્મી હતી.
બ્રિજની એક તરફના રસ્તા પર આ ગાબડું પડતા પોલીસ ધસી ગઈ હતી અને વાહન વ્યવહાર બંધ કરાવાયો હતો જેથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.એક સાઈડ પર વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો. રાજકોટથી અમદાવાદ વચ્ચે રોજ લાખો લોકો અવરજવર કરે છે જેમને એક તો બ્રિજના કામમાં અતિશય ઢીલથી વર્ષોથી હાલાકી વેઠવી પડી છે અને કામ પૂરૂં થયા પછી પણ તે નબળુ રાખી દેવાતા આવા ગાબડાંથી બ્રિજ બંધ કરવો પડે તે શર્મનાક છે.
આ અંગે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બ્રિજ ઉપરના રસ્તા પર કે જેના પરથી વાહનો ચાલે છે તેમાં ઉપરનું પડ ઉખડી ગયું હતું અને સળિયા બહાર દેખાઈ આવ્યા હતા. બ્રિજમાં જોઈન્ટના કામમાં ક્ષતિ જણાઈ છે જેનાથી કોઈ મોટુ જોખમ સર્જાતુ નથી પરંતુ, કામમાં બેદરકારી જણાઈ છે. આ અંગેની જાણ થતા એક્ઝીક્યુટીવ એન્જિનિયર સ્થળ ઉપર ધસી જઈને રસ્તો છએક કલાક બંધ કરાવ્યો હતો અને રિપેરીંગ કામ પૂરૂં કરીને આ રસ્તો આજે ફરી ચાલુ કરી દેવાયાનું જણાવાયું છે.