સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી
કંપનીના વેન્ડરના ભળતા નામનો ઈમેલ કરીને અન્ય ખાતામાં પેમેન્ટ કરાવી દેવાયું ઃ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ
હાલમાં સમગ્ર દેશની અંદર સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે
અને લોકોને છેતરવા માટે નવી નવી મોડસ ઓપરેન્ડી સાઇબર ગઠિયાઓ અપનાવી રહ્યા છે
ત્યારે ઓનલાઇન વ્યવહાર કરતી મોટી કંપનીઓને નિશાન બનાવવા માટે નવો નુસખો અપનાવવામાં
આવ્યો છે અને તેનો ભોગ ગાંધીનગર જિલ્લાના સાંતેજ ખાતે આવેલી ફાર્મા કંપની બની છે.
જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સાંતેજની શ્રી એડિટિવ્સ ફાર્મા એન્ડ
ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પવન સાહેબરાવ
વાઘે ફરિયાદ નોંધાવી હતી કે,
તેમની કંપની મુંબઈની ડિઝાઇન સંયોજક નામની ફર્મ સાથે વ્યવસાયિક કામકાજ ધરાવે
છે. ગત ઓક્ટોબર ૨૦૨૫માં કંપનીને એક ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં જણાવાયું હતું કે
ડિઝાઇન સંયોજકનું બેંક ખાતું હાલ ઓડિટમાં હોવાથી પેમેન્ટ અન્ય ખાતામાં કરવાનું
રહેશે.
સાઇબર ગઠિયાઓએ મૂળ કંપનીના નામ સાથે મળતા આવતા ખોટા ઈ-મેઈલ આઈડી
પરથી વાતચીત કરી અને પંજાબ નેશનલ બેંકના શ્રી નમો એન્ટરપ્રાઈઝ નામના ખાતાની વિગતો આપી
હતી. આ વિગતો સાચી માનીને ફાર્મા કંપનીએ ગત ૧૦ ઓક્ટોબરના રોજ ૧૦.૮૦ લાખ રૃપિયા ઓનલાઇન
ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે મૂળ કંપની ડિઝાઇન સંયોજકના મેનેજર સાથે વાતચીત થઈ ત્યારે
સામે આવ્યું હતું કે તેમણે આવો કોઈ ઈ-મેઈલ મોકલ્યો નથી કે ન તો બેંક ખાતું બદલ્યું
છે. તપાસ કરતા જાણવા મળ્યું કે,
છેતરપિંડી કરનારાઓએ કંપનીના કર્મચારીઓના નામે અનેક ફેક ઈ-મેઈલ આઈડી બનાવી આખું
કાવતરું રચ્યું હતું. જેથી હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ
કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.


