Get The App

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગેની નોંધપાત્ર વૃદ્ધિ : વર્ષ 2025માં 10.38 મિલિયન ટન માલ લોડિંગ કરી રૂ.1288.70 કરોડની આવક

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગેની નોંધપાત્ર વૃદ્ધિ : વર્ષ 2025માં 10.38 મિલિયન ટન માલ લોડિંગ કરી રૂ.1288.70 કરોડની આવક 1 - image

Western Railway : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2025 સુધી કુલ 10.38 મિલિયન ટન માલ લોડિંગ કરવામાં આવ્યું છે, જેના પરિણામે રૂ.1288.70 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

ખાતર અને કન્ટેનર લોડિંગમાં નવા રેકોર્ડ

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC), બાજવા સાઇડિંગ ખાતે ખાતર લોડીંગ નવો માઈલસ્ટોન સ્થાપિત થયો છે. જાન્યુઆરી 2025માં થયેલા 48 રેકના અગાઉના રેકોર્ડને પાર કરી ડિસેમ્બર મહિનામાં 50 રેક લોડ કરવામાં આવ્યા છે. તે જ રીતે ગોથણગાંવ ખાતે મેસર્સ કૃભકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની સાઇડિંગ પરથી કન્ટેનર લોડીંગમાં પણ રેકોર્ડ વૃદ્ધિ નોંધાઈ છે, જ્યાં અગાઉના મહત્તમ 58 રેકની સામે ડિસેમ્બર મહિનામાં 64 રેક લોડ થયા છે.

મીઠા અનલોડિંગમાં પણ નોંધપાત્ર વધારો

ડીજીએફજે ટર્મિનલ પર અગાઉ એક મહિનામાં સૌથી વધુ 18 મીઠાના રેક અનલોડ થતા હતા, જ્યારે હવે આ સંખ્યા વધીને 33 રેક થઈ છે, જે લગભગ ડબલ છે.

ગુમાનદેવ સ્ટેશનથી માલ વહનને નવી દિશા

માલ લોડિંગમાં વધારો કરવા માટે વડોદરા વિભાગ દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. પશ્ચિમ રેલવેની અંકલેશ્વર–રાજપીપળા રેલ લાઇન પર ગુમાનદેવ સ્ટેશન સ્ટેશનને હવે માલ વહન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગુમાનદેવ ગુડ્સ શેડ ખાતે નવા બનેલા ગુડ્સ પ્લેટફોર્મ પર પ્રથમ ઇન્ડસ્ટ્રિયલ મીઠાની રેક મળતાં વિભાગે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ગતિમાં સુધારો

ગુમાનદેવ ખાતે 650 મીટર લાંબા નવા ગુડ્સ પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે તેમજ એક વધારાની લૂપ લાઇનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ પૂર્ણ થયા બાદ અહીંથી ભવિષ્યમાં ખાતર પરિવહન શરૂ થવાની સંભાવના છે. ઉપરાંત વિભાગમાં ગુડ્સ ટ્રેનોની ગતિમાં 5 ટકાનો વધારો થતાં માલ પરિવહનમાં સમય બચત શક્ય બની છે.