Gujarat

જામનગર જિલ્લામાં મેઘરાજાની બીજા રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી : સાર્વત્રિક 1 થી 7 ઈંચ વરસાદ

By GS TEAM
23 Jun 20253 mins read
TukuTouch Logo
રવિવારે બપોરે 2.00 વાગ્યા બાદ સમગ્ર જિલ્લામાં વરસાદને લઈને અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા : ખેડૂતો ખૂશખુશાલ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં મેઘરાજાની બીજા રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી : સાર્વત્રિક 1 થી 7 ઈંચ વરસાદ

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રવિવારે મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો, અને બપોરે બે વાગ્યાથી જિલ્લાભરમાં હવામાનમાં પલટો આવ્યો હતો, અને સાર્વત્રિક 1 ઇંચથી 7 ઇંચ જેવી ધીંગી મેઘ સવારી જોવા મળી છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારની અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે. અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રવિવારે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવેલો જોવા મળ્યો હતો, અને આકાશમાં વાદળોના આંટા ફેરા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ વાદળોના ગંજ ખડકાઈ ગયા હતા, જેથી ઉકળાટ ભર્યું વાતાવરણ બનેલું રહ્યું હતું. અને બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. 

જામનગર શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી ધીમીધારે છાંટા શરૂ થયા હતા, ત્યાર બાદ ચાર વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો, અને રાત્રે 9.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે.

જામનગર શહેર બાદ જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની ધીંગી મેઘ સવારી જોવા મળી હતી. કાલાવડમાં બપોરે 2.00 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, અને રાત્રે 8.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પાંચ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. સમગ્ર કાલાવડના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને લઈને અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. જોકે જાનમાલની નુકસાનીના કોઈ અહેવાલો મળ્યા નથી.

કાલાવડ ઉપરાંત જોડીયામાં સૌથી વધારે અને ધીંગી મેઘ સવારી જોવા મળી હતી. બપોરે 4.00 વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી, અને રાત્રે 9.00 વાગ્યા સુધીમાં સમયગાળા સુધીમાં 7 ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે.

ઉપરાંત જામજોધપુરમાં બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધી 65 મી.મી., લાલપુરમાં 41 મી.મી. વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં પણ વરસાદી ઝાપટાં વરસી ગયા હતા અને 17 મી.મી. વરસાદ નોંધાયો હતો. રાત્રી દરમિયાન પણ સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ રહ્યું છે. અને અવિરત મેઘ સવારી ચાલુ રહી છે.

જામનગર જિલ્લામાં ગઇકાલે પડેલા વરસાદને લઈને 25 જળાશયો પૈકી 23 જળાશયોમાં નવા નીર આવ્યા

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ 24 કલાકમાં જ ચિત્ર ફેરવી નાખ્યું છે. મોસમના પ્રથમ વરસાદમાં જ 25 માંથી 23 જળાશયોમાં નવા નિરની આવક થઈ છે, અને એક ફૂટથી ચાર ફૂટ સુધીનું નવું પાણી આવ્યું છે. ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓર ફલો થઈ ગયો છે, અને હાલ તેમાં પાણીની આવક ચાલુ હોવાથી ઓવરફ્લો ચાલુ રહ્યો છે. ઉપરાંત વાગડીયા ડેમ પણ ઓવરફલો થયો છે. અન્ય પાંચ જળાશયો જેમાં સપડા, વિજરખી, ફુલજર-2, રૂપાવટી, અને કોટડાબાવીસી જે ડેમો 70 થી 80 ટકા ભરાઈ ગયા છે, અને ટૂંક સમયમાં જ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેને લઈને ઇરીગેશન વિભાગ દ્વારા પાંચેય ડેમના નિચાણ વાળા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

 રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો હોવાથી જામનગરની રંગમતી નાગમતી નદી સુધી પાણી આવી પહોંચ્યું હતું, અને ખાલી ખમ રહેલી રંગમતી નદી આજે પાણીથી ભરાઇ છે, અને વ્હોરાના હજીરા પાસેથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ત્યારે જામનગર શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ ગઈકાલે રાત્રે મહાનગરપાલિકાની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી અને સલામત સ્થળે રહેવા જણાવાયું છે.