Gujarat

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 1 થી સાડા પાંચ ઇંચ વરસાદ : ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ મહેર

By GS TEAM
18 Jun 20253 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જોડીયામાં સાડા પાંચ ઇંચ : જામનગર શહેરમાં 2 ઇંચ, ધ્રોલ અને કાલાવડમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 1 થી સાડા પાંચ ઇંચ વરસાદ : ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ મહેર

Jamnagar Monsoon Season : જામનગર જિલ્લામાં ગઈકાલે સતત બીજા દિવસે પણ મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં એકથી સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમુક તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસી જતાં ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે. સૌથી વધુ જોડીયા પંથકમાં સાડા પાંચ ઇંચ  વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસનાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. અને ખાસ કરીને પરમદીને રાત્રિથી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો હતો, ત્યારબાદ ગઈકાલે પણ સમગ્ર દિવસ દરમિયાન શહેર જિલ્લામાં મેઘ વૃષ્ટિ ચાલુ રહી હતી, જેથી શહેરીજનો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. 

જામનગર શહેર અને સમગ્ર જીલ્લામાં ગઈકાલે સતત બીજા દિવસે ધાબળીયા અને વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે બપોરે વરસાદ અમુક તાલુકામાં શરૂ થયો હતો, આ પછી દિવસભર ચાલુ રહ્યો હતો, અને જોડિયા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નદીનાળામાં પૂર આવ્યા હતા.

જામનગર જીલ્લામાં આજે સવારે 8 વાગ્યે પૂરા થયાના 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 44 મી.મી., જોડીયામાં 133  મીમી, ધ્રોલમાં 35 મીમી, કાલાવડ 34 મીમી, લાલપુરમાં 16 મીમી અને જામજોધપુરમાં 21 મીમી વરસાદ વરસ્યો છે.

પરમદીને સાંજે જામનગર શહેરમાં  છાંટા શરૂ થયા પછી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે રાત્રીભરમાં એક ઈંચ જેટલો વરસ્યો હતો. ત્યારબાદ જામનગર શહેરમાં ગઈકાલે પણ દિવસ દરમિયાન પોણા બે ઇંચથી વધુ પાણી વરસી જતાં છેલ્લા 24 કલાકમાં 44 મી.મી.એટલેકે બે.ઇંચ પાણી વરસી ગયું છે. જોડીયામાં ગઈકાલે દિવસ દરમ્યાન સાડા પાંચ ઈંચ વરસદ વરસી ગયો હતો. જોકે આજે દિવસ દરમિયાન મેઘરાજા વિરામ રાખ્યો છે.

છેલ્લા 24 કલાકમાં જોડીયામાં 133 મી.મી. એટલે કે લગભગ સાડા પાંચ ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત ધ્રોલમાં પોણા બે ઇંચ, કાલાવડમાં પણ પોણા બે ઇંચ, લાલપુરમાં એક ઇંચ અને જામજોધપુરમાં એક ઇંચ વરસાદ થયો છે.

જામનગર શહેરમાં વરસાદનાં ચાર છાંટા વરસ્યા હતાં ત્યાં જ અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેવી જ રીતે અનેક વિસ્તારની સ્ટ્રીટ લાઈટો પણ બંધ થઈ જવા પામતાં શહેરના કેટલાક વિસ્તારમાં અંધારા ફેલાયા હતાં. 

ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે ચાર છાંટા વરસતા જ લાઈટો ગુલ થઈ ગઈ તો પ્રિ-મોન્સુન કામગીરીમાં શું કર્યું ? તેમાં ખર્ચાયેલા લાખો રૂપિયા ખરેખર ખર્ચાયા કે પછી...? જો કે ધીમી ધીમે મરામત કામગીરી હાથ ધરવામાં આવતાં વિજ પુરવઠો પૂર્વવત થયો હતો.

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે દિવસ દરમ્યાન અને રાત્રે સારો વરસાદ વરસ્યો હતો. 

જેમાં જામનગર તાલુકાના વસઈમાં 8 મીમી, લાખાબાવળમાં 22 મીમી, મોટી બાણુંગારમાં 70 મીમી, ફલ્લામાં 41 મીમી, જામવંથલીમાં 55 મીમી, મોટી ભલસાણમાં 50 મીમી, અલીયાબાડામાં 75 મીમી અને દરેડમાં 25 મીમી, જોડીયા તાલુકાના હડીયાણામાં 50 મીમી, બાલંભામાં 33 મીમી અને પીઠડમાં 40 મીમી, ધ્રોલ તાલુકાનાં લતીપુરમાં 25 મીમી, જાલીયા દેવાણીમાં 45 મીમી, લૈયારામાં 22 મી.મી.,કાલાવડ તાલુકાનાં નિકાવામાં 7 મીમી, ખરેડીમાં 6 મીમી, મોટા વડાળામાં 20 મીમી, ભલસાણ બેરાજામાં 30 મીમી, નવાગામમાં 2 મીમી અને મોટા પાંચ દેવડામાં 32 મી.મી, જામજોધપુર તાલુકાનાં સમાણામાં 21 મીમી, શેઠ વડાળામાં 05 મીમી, જામવાડીમાં 14 મીમી, વાંસજાળીયામાં 20 મીમી, ધુનડામાં 6 મીમી, ધ્રાફામાં 16 મીમી, પરડવામાં 23 મીમી, લાલપુર તાલુકાનાં પીપરટોડામાં 19 મીમી, પડાણામાં 6 મીમી, ભણગોરમાં 8 મીમી, મોટા ખડબામાં 17 મીમી, મોડપરમાં 13 મીમી અને હરીપરમાં 32 મીમી વરસાદ નોંધાયો છે.