Get The App

જૂનાગઢ, વિસાવદર, વંથલી, મેંદરડા, માણાવદર પંથકમાં 1થી 3 ઈંચ વરસાદ

Updated: Jun 15th, 2025

GS TEAM

Google News
Google News
જૂનાગઢ, વિસાવદર, વંથલી, મેંદરડા, માણાવદર પંથકમાં 1થી 3 ઈંચ વરસાદ 1 - image


સત્તાવાર ચોમાસાના પ્રારંભે જ વરસાદનું આગમન : જે વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થયો છે ત્યાં ખેડૂતો દ્વારા વાવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ

જૂનાગઢ, : આજથી ચોમાસાની ઋતુનો સત્તાવાર પ્રારંભ થયો છે. ચોમાસાના પ્રારંભના દિવસે જ વિસાવદર, માણાવદર, વંથલી, મેંદરડા, જૂનાગઢ અને ગીર પંથકમાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અનેક વિસ્તારોમાં આવતીકાલથી ખેડૂતો દ્વારા વાવણીનો પણ પ્રારંભ કરવામાં આવશે. ચોમાસાની શરૂઆતથી જ સારા વરસાદનું આગમન થતા જગતનો તાત વાવણીના કામમાં જોતરાઈ જશે.

સરકારી ચોપડે તા. 15 જૂનથી ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થાય છે. આજે બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું હતું. વિસાવદર શહેરમાં 30  મિમિ તથા ગ્રામ્ય વિસ્તાર ખાંભા, બરડીયા, પ્રેમપરા, જાંબુડી સહિતના ગામડાઓમાં 2થી 3 ઈંચ જેટલો વરસાદ થયો છે. માણાવદર શહેરમાં દોઢ ઈંચ, ગ્રામ્ય વિસ્તારના શેરડી ગામમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ઈન્દ્રામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.

તેવી જ રીતે વંથલીમાં 1 ઈંચ, જૂનાગઢમાં 1 ઈંચ, કેશોદમાં દોઢ ઈંચ, મેંદરડામાં દોઢ ઈંચ તથા ગ્રામ્ય વિસ્તારમાં દોઢથી બે ઈંચ, ગિરનાર પર માત્ર 3 મીમી વરસાદ વરસ્યો હતો. કનકાઈ ગીરમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં આવતીકાલથી ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જે વિસ્તારમાં વરસાદ થયો નથી ત્યાં ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હજુ પણ વરસાદી વાતાવરણ હોવાથી રાત્રીના સમયે વરસાદનું આગમન થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ચોમાસાના પ્રારંભે જ વાવણીલાયક વરસાદ થતા અનેક ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

Tags :