Get The App

ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
ઝેર પીનાર 3 ભાઈઓમાંથી 1નું મોત, લાશ સ્વીકારવાનો ઈન્કાર 1 - image

વાંકાનેરના મહિકામાં જમીન વિવાદમાં 

ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માંગણી, રાજકોટની સિવિલમાં દમ તોડી દેતા પરિવારમાં શોક

મોરબી: વાંકાનેરનાં મહિકા ગામ નજીક મચ્છુ નદીના કાંઠે ખનીજ માટે લીઝ પર આપેલી જમીન ખાલી કરાવવાના વિવાદમાં સજોડે ઝેરી દવા પી લેનાર ત્રણ પિતરાઈ ભાઈઓને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન એક તરૂણનું મૃત્યુ નિપજતાં પરિવારજનોએ ગુનો દાખલ કરવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. 

વાંકાનેરના મહિકા ગામે રહેતાં યશ હરીભાઈ બાંભણીયા (ઉ.વ.૧૬), અને તેના મોટાબાપુના બે દિકરા કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા (ઉ.વ.ર૩) અને વિશાલ (ઉ.વ.ર૦)એ વાડીએ સજોડે ઝેરી દવા પી લેતા વાંકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણેયના પરિવારજનોએ જણાવ્યું હતું કે, નદી કાંઠે આવેલી જમીન તે ઘણા વર્ષોથી વાવે છે. દર માસે નીયત ફી પણ ગ્રામ પંચાયતને ભરે છે. નદીકાંઠે રેતીની લીઝ જેને મળી હતી તે શખ્સો જમીન ખાલી કરાવવાનું કહેતા હોવાથી વિવાદમાં ત્રણેય પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા પી લીધી હતી. 

બીજી તરફ ગઈકાલે રાત્રે રાજકોટ સારવાર હેઠળ રહેલા ત્રણેય ભાઈઓ પૈકી યશ બાંભણીયાનું મૃત્યુ નિપજયું હતું. આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનો અને સમાજના  આગેવાનોએ જવાબદારો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યશ બેભાઈમાં મોટો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.