1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવીને અપાય છે પણ ભાવ તો પૂરા પેટ્રોલના વસૂલાય છે
Petrol News : કોઈ પણ પેટ્રોલપંપ ઉપર ટુ વ્હીલરમાં એક લિટર પેટ્રોલ પૂરાવો તો બાકાયદા વાહનની ટાંકીમાં 80 ટકા (800 મિ.લિ. ) પેટ્રોલ સાથે 20 ટકા (200 મિલિ) ઈથેનોલ પૂરી દેવામાં આવે છે અને ભાવ પૂરા પેટ્રોલના જ વસૂલાય છે. ઈથેનોલ એ એક પ્રકારનું આલ્કોહોલ છે જે શેરડી અથવા તો બાયોમાસના સ્ટાર્ચમાંથી બનાવાય છે જેનું C2H6o રાસાયણિક બંધારણ છે.
સરકારની ઝૂંબેશના પગલે 2014માં પેટ્રોલમાં 1.53 ટકા ઈથેનોલ ભેળવવાની શરૂઆત થઈ હતી અને ગત વર્ષે આ બ્લેન્ડિંગ 15 ટકા સુધી વધીને 20 ટકાએ પહોંચી ગયું છે. આનાથી શેરડીના ભાવ ખેડૂતોને ઉંચા મળવા લાગ્યા છે અને ક્રૂડ આયાતમાં વિદેશી હૂંડિયામણની બચત પણ થવા લાગી છે. પરંતુ, સામાન્ય વાહનચાલકોને કોઈ ફાયદો થયો નથી. આજે પણ શહેરમાં પેટ્રોલ રૂ. 94.25 રૂપિયાના ભાવે જ વેચાય છે અને તેમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી.
ઈથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલ ટુ વ્હીલરમાં પૂરાવવાથી એક મોટી સમસ્યા ખાસ કરીને હાલ ચોમાસાની ઋતુમાં સ્ટાર્ટિંગની થાય છે અને આ જોખમથી વાકેફ ઓઈલ કંપનીઓએ પેટ્રોલપંપ ઉપર ગ્રાહકોને સૂચના આપતા બોર્ડ લગાવ્યા છે. રાજકોટના ગોપાલ ચોકમાં એચ.પી.પંપ ઉપર બોર્ડમાં જણાવાયું છે કે સરકારના નિર્દેશ મૂજબ પેટ્રોલ ઓઈલ કંપનીઓ હવે 20 ટકા ઈથેનોલનું મિશ્રણ કરે છે તેથી ચોમાસામાં કે સર્વિસ કરાવતી વખતે પેટ્રોલનો સંપર્ક જરા પણ પાણી સાથે ન થાય તેની તકેદારી રાખવા અન્યથા વાહન સ્ટાર્ટ કરવામાં મૂશ્કેલી સર્જાઈ શકે છે. પેટ્રોલ પુરાવ્યા પછી ટુવ્હીલર માલિકને વાહન સ્ટાર્ટ કરવામાં તકલીફ થાય ત્યારે પેટ્રોલમાં ભેળસેળ હશે ,નબળી ગુણવત્તાનું હશે તેવી શંકા સાથે પંપ વિરૂધ્ધ ફરિયાદ ન કરે તે માટે ઘણા પંપધારકો આવી સૂચના જારી કરે છે.