સદાનંદ-અંકલેશ્વર GIDC માર્ગ ઉપર અકસ્માતની ઘટના : ઓવરટેક વખતે મોપેડને ટ્રકે અડફેટે લેતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
Bharuch Accident : અંકલેશ્વર ખાતે ઓવરટેક સમયે ટ્રકની અડફેટે આવેલ મોપેડ સવાર બે વ્યક્તિઓ પૈકી એકનું સ્થળ પર જ મોત નીપજતા ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના રહેવાસી ફારુકભાઈ મહેતર ખાનગી લેબમાં નોકરી કરે છે. ગતરોજ સાંજે તેઓ પુત્રની મોપેડ લઈ શેઠ મકસુદ અન્સારીના પુત્ર રૈયાન સાથે અંકલેશ્વર લેબના કામ અર્થે જવા નીકળ્યા હતા. તે વખતે સદાનંદથી અંકલેશ્વર જીઆઇડીસી તરફ જતા ટ્રકને ઓવરટેક કરતાં
સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના પૈડા ફરી વળતા ચાલક ફારૂક ભાઈને બંને પગે ઇજાઓ પહોંચી હતી. જ્યારે રૈયાનને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થળ પર પહોંચેલ 108 એમ્બ્યુલન્સના તબીબે રૈયાન મૃત જાહેર કર્યો હતો. જ્યારે ફારુકભાઈ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ટ્રક નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.