Gujarat

જામનગરમાં આરટીઈ હેઠળ કુલ 1,729 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો : હજુ 171 બેઠકો ખાલી

By GS TEAM
22 May 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં 120 અને જિલ્લામાં 194 ખાનગી શાળાઓમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ : હવે બીજા રાઉન્ડની તૈયારી

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં આરટીઈ હેઠળ કુલ 1,729 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો : હજુ 171 બેઠકો ખાલી

Jamnagar RTE Education : જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના અધિકાર અધિનિયમ (આરટીઈ) હેઠળ હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં કુલ 1,729 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જોકે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ હજુ શહેર અને જિલ્લામાં મળી કુલ 171 બેઠકો ખાલી રહી છે, જેના માટે આગામી સમયમાં બીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ અંગે મળેલી માહિતી મુજબ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી 120 ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ કુલ 805 બેઠકોનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 745 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે, જ્યારે હજુ 60 બેઠકો ખાલી રહી છે. શહેર વિસ્તારમાં આરટીઈ હેઠળ કુલ 4,585 અરજીઓ મળી હતી, જેમાંથી 3,154 અરજીઓ માન્ય ઠરી હતી.

બીજી તરફ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે કુલ 2,703 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 1,895 અરજીઓ માન્ય જાહેર થઈ હતી. ગ્રામ્ય વિસ્તારની 194 ખાનગી શાળાઓ માટે કુલ 1,095 બેઠકોનો ક્વોટા ફાળવાયો હતો. પ્રથમ રાઉન્ડમાં 1,082 બેઠકો વિદ્યાર્થીઓને ફાળવવામાં આવી હતી, જેમાંથી 984 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. જોકે હજુ 111 બેઠકો ખાલી રહી છે. 

આ રીતે જામનગર શહેર અને જિલ્લામાં મળીને પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતા કુલ 1,729 વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો છે, જ્યારે બાકી રહેલી 171 બેઠકો માટે સંભવતઃ માસાંત સુધીમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવશે.