Gujarat

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું

By GS TEAM
22 Sep 20252 mins read
શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું

ગાંધીનગર જિલ્લામાં એક પેડ માં કે નામ અંતર્ગત

દહેગામમાં સૌથી વધુ ૫૫.૫૯ ટકાગાંધીનગરમાં સૌથી ઓછું ૩૪.૮૩ ટકા કામ થયું ઃ ઝુંબેશ ૨જી ઓક્ટોબર સુધી ચલાવાશે

ગાંધીનગર :  વિકાસ માટે વધેરાતી હરિયાળીને જાળવી રાખવા એક પેડ માં કે નામ અંતર્ગત રાજ્યભરની શાળાઓમાં વૃક્ષારોપણ ઝુંબેશ શરૃ કરાઇ છે. ગાંધીનગર જિલ્લામાં તેના અંતર્ગત ૩,૨૫,૯૧૫ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક લેવામાં આવ્યો હતો. તેની સામે ૧,૪૦,૬૯૦ વૃક્ષો વવાયા છે. તેમાં દહેગામમાં સૌથી વધુ ૫૫.૫૯ ટકા, ગાંધીનગરમાં સૌથી ઓછું ૩૪.૮૩ ટકા કામ થયું છે. દરમિયાન આ ઝુંબેશ ૨જી ઓક્ટોબર સુધી ચલાવવામાં આવનાર છે.

ઇકો કલબ ફોર મિશન લાઇફ અને સમગ્ર શિક્ષાના નેજા હેઠળ ગાંધીનગર જિલ્લાની શાળાઓમાં પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેને ઉછેરવાની નેમ સાથે એક પેડ માં કે નામ અંતર્ગત જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ જોડીને આ ઝંબેશ ચલાવવામાં આવી રહી છે. અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે જિલ્લાની ૧,૩૩૦ શાળાઓ પૈકી અત્યાર સુધીમાં ૧,૨૦૬ શાળાઓને વૃક્ષારોપણ માટે નોટીફાઇ કરવામાં આવી છે. જેના પગલે શાળાઓના પરિસર સહિત આ્રસપાસની જગ્યામાં ૩,૨૫,૯૧૫ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક લેવામાં આવ્યો હતો. તેની સામે તારીખ ૨૨મી સપ્ટેમ્બર સુધીમાં ૧,૪૦,૬૯૦ વૃક્ષો વવાયા છે. મતલબ કે વૃક્ષારોપણના લક્ષ્યાંક સામે ૪૩.૧૭ ટકા સિદ્ધિ મળી છે.

બે તાલુકામાં ૫૦ ટકાથી વધુ અને બેમાં ૫૦ ટકાની ઓછું વૃક્ષારોપણ

દહેગામ તાલુકાની ૩૧૦ શાળામાં ૫૨,૫૦૯ વૃક્ષના વાવેતરના લક્ષ્યાંક સામે ૨૯,૧૮૯ વૃક્ષ, કલોલ તાલુકાની ૨૫૧ શાળામાં ૭૩,૧૭૭ વૃક્ષના વાવેતરના લક્ષ્યાંક સામે ૩૭,૨૨૦ વૃક્ષ, માણાસા તાલુકાની ૨૦૨ શાળામાં ૩૩,૫૮૧ વૃક્ષના વાવેતરના લક્ષ્યાંક સામે ૧૬,૨૩૨ વૃક્ષ અને ગાંધીનગર તાલુકાની ૫૩૪ શાળામાં ૧,૬૬,૬૪૮ વૃક્ષના વાવેતરના લક્ષ્યાંક સામે ૫૮,૦૪૯ વૃક્ષ વાવવામાં આવ્યા છે. ટકાવારીમાં જોઇએ તો દહેગામમાં ૫૫.૫૯, કલોલમાં ૫૦.૮૬, માણસામાં ૪૮.૩૪ અને ગાંધીનગર તાલુકામાં ૩૪.૮૩ ટકા સિદ્ધિ મળી છે.