રાજ્યમાં 1.29 લાખ વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા, પેપર એકંદરે સરળ રહ્યું, કેમેસ્ટ્રી-ફિઝિક્સના કેટલાક પ્રશ્નોએ મૂંઝવ્યા
GUJCET Exam : રાજ્યમાં આજે રવિવારે (23 માર્ચ, 2025) ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1.29 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી છે. રાજ્યના 35 કેન્દ્રો, 638 સ્કૂલોના 6549 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 49175 વિદ્યાર્થીઓ ગ્રુપ Aમાં, 80151 વિદ્યાર્થીઓ ગ્રુપ Bમાં અને ગ્રુપ Cમાં 380 વિદ્યાર્થીઓએ ગ્રુપ A-Bમાં પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાત બોર્ડના 1.09 લાખ વિદ્યાર્થીઓ અને CBSEના 17789 અને ભારત બહારના 17 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, ત્યારે પેપર એકંદરે સરળ રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં કેમેસ્ટ્રી-ફિઝિક્સના કેટલાક પ્રશ્નોએ વિદ્યાર્થીઓને મૂંઝવ્યા હોવાનું જણાવ્યું હતું.
રાજ્યમાં વિજ્ઞાન પ્રહારના વિદ્યાર્થીઓ આજે રવિવારે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET)ની પરીક્ષા આપી છે. પરીક્ષામાં પાસ થયાં બાદ વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાર્મસી માટે રાજ્યની સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવશે. જેમાં એન્જિનિયરિંગની 1,27,538, ફાર્મસીની 10,752, એગ્રિકલ્ચરની 678 સહિત કુલ 1.39 લાખથી વધુ બેઠકો માટે 1.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
કયા જિલ્લામાંથી કેટલાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા?
- સુરતમાંથી 19,067
- અમદાવાદ શહેરમાંથી 11,657
- અમદાવાદ ગ્રામ્યમાંથી 5,640
- રાજકોટમાંથી 9,439
- વડોદરામાંથી 8,351
રાજ્યમાં આજે 23મી માર્ચે લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીનું કહેવું છે કે, 'પેપર એકંદરે સરળ રહ્યું હતું. જ્યારે કેમેસ્ટ્રી-ફિઝિક્સના કેટલાક પ્રશ્નો મૂંઝવણમાં મુકે તેવા હતા.'