Gujarat

સરદાર સરોવર નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના 11 ગામોના સવા લાખ રહીશોને પાણી માટે રોજ વલખાં

By GS TEAM
6 Nov 20253 mins read
TukuTouch Logo
માત્ર 15 મીટર પાણીની લાઇન માટે મંજૂરી મળતી નથી : 20 એમએલડી પાણીની જરૂરિયાત સામે માત્ર 5 એમએલડી પાણી મળતા રોજ પાણીની મોંકાણ

Summarized by AI; it may make mistakes. Check important info

સરદાર સરોવર નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના 11 ગામોના સવા લાખ રહીશોને પાણી માટે રોજ વલખાં

Vadodara : વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. સયાજીપુરા, અણખોલ, ખટંબા સહિતના ગામોની આજુબાજુ હવે અનેક સોસાયટીઓ બની જતા લોકો રહેવા માટે પણ આવી ગયા છે પરંતુ પાણી માટે લોકોને રોજ વલખા મારવા પડે છે. નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી મેળવવાની મંજૂરી નહી મળતા લગભગ સવા લાખ લોકોને અસર પડી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના પૂર્વમાં જિલ્લાના વિસ્તારમાં અનેક શૈક્ષણિક સંકુલો તેમજ નાના મોટા ઉદ્યોગો આવેલા  હોવાથી વડોદરાથી વાઘોડિયા તેમજ આજવા સુધી અનેક સોસાયટીઓ, ફ્લેટો તેમજ કોમ્પ્લેક્સો બની ગયા છે. લાખો રૂપિયાનું રોકાણ કરીને નવા સ્થળે અનેક લોકો કાયમી રહેવા માટે પણ આવી ગયા છે પરંતુ પાણીના પ્રશ્નના કારણે રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે.

વુડા વિસ્તારમાં આવતા કુલ 11 ગામોને આવરી લેતી પાણી પુરવઠા યોજના દ્વારા માત્ર 5 એમએલડી (મિલિયન લીટર પર ડે) પાણી પૂરું પાડવામાં આવે છે જ્યારે પાણીની જરૂરિયાત 20 એમએલડીની છે. 11 ગામોની પાણી પુરવઠા યોજના માટે વુડા દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આવનારા 30 વર્ષને ધ્યાનમાં રાખીને બનાવેલો પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂર કરાયો હતો. આ યોજના અંતર્ગત કુલ 50 એમએલડી પાણી વુડા વિસ્તારને મળશે તેવું આયોજન હતું પરંતુ તેની સામે માત્ર 5 એમએલડી પાણી જ વુડા મેળવી શકે છે. સરકાર સરોવર નર્મદા નિગમની કેનાલમાંથી મળતું પાણી ખૂબ ઓછું હોવાથી લોકોને પૂરતું પાણી મળતું નથી અને રોજે રોજ કકળાટ થતો હોય છે.

50 એમએલડી પાણી મેળવવાની કેપેસિટિ મુજબ વુડા દ્વારા નેટવર્ક ગોઠવી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમ છતાં આ પાઇપલાઇનોમાં પાણી ફરતું થયું નથી. હાલોલ તાલુકાના રામેશરા પાસેની નર્મદા મેઇન કેનાલમાંથી પાણી મેળવવાના આયોજન મુજબ 90 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા વડોદરા બ્રાંચ કેનાલમાંથી પાણી લેવા માટે સ્ટ્ર્કચરની કામગીરીની મંજૂરી નહી અપાતા સવા લાખ લોકોને પાણી મળી શકતું નથી. માત્ર 15 મીટરની પાઇપ નાંખીને કેનાલમાંથી પાણી મેળવવાની મંજૂરી મળી જાય તો મોટી સંખ્યામાં લોકોને રાહત થાય પરંતુ છેલ્લા બે વર્ષથી ગાંધીનગરથી મંજૂરી નહી મળતા તૈયાર થયેલો પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તે નિશ્ચિત નથી.

પાણી પ્રશ્ને વુડા ઓફિસમાં લોકોના વારંવાર સૂત્રોચ્ચાર :  જિલ્લા સંકલન બેઠકમાં અનેક વખત રજૂઆત છતાં બે વર્ષથી નિરાકરણ નહી

વડોદરાના પૂર્વ વિસ્તારમાં વુડાની હદમાં આવેલા 11 ગામોમાં આશરે 150 જેટલી સોસાયટીઓમાં સવા લાખ લોકો રહેવા માટે આવી ગયા છે. આ રહીશોને વુડા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડી શકાતું નથી અને રોજે રોજ પાણીના નામે કકળાટ થાય છે. વુડા વિસ્તારમાં આવતી સોસાયટીના રહીશોના પ્રશ્નો અંગે વુડામાં વારંવાર સૂત્રોચ્ચાર પણ થાય છે તેમજ પાણી અંગે જિલ્લા સંકલનની બેઠકમાં અનેક વખત પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી લટકતા પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. વુડા વિસ્તારમાં છ ટીપી સ્કીમો પણ પડી ગઇ છે. ઉલ્લેખનીય છે કે 11 ગામોના લોકોને વાસ્મો દ્વારા પાણી પૂરું પડાય છે પરંતુ ટીપી સ્કીમમાં આવતા વિસ્તારોના લોકો પાણીથી વંચિત રહ્યા છે.

ટાંકી બનાવી, પાઇપો નાંખી પણ પાણી લેવા જોડાણ અપાતું નથી :  પાઇપ લાઇન તેમજ ટાંકીમાં પાણી ક્યારે પહોંચશે તે હજી નક્કી નથી

11 ગામોમાં પડેલી ટીપી સ્કીમના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે સરકારે પ્રોજેક્ટ મંજૂર કરતા કામ પૂરું કરવામાં આવ્યું પરંતુ નર્મદા મેઇન કેનાલમાંથી માત્ર જોડાણ નહી મળતાં સમગ્ર પ્રોજેક્ટ સામે શંકા ઊભી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા મેઇન કેનાલમાંથી 50 એમએલડી પાણી મળે તેને ધ્યાનમાં રાખીને પાણી પહોંચાડવાનું સમગ્ર નેટવર્ક પણ તૈયાર કરી દેવાયું છે. 15 લાખ લિટરની ઓવરહેડ ટાંકી બનાવવવામાં આવી છે અને બીજી 25 લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકીનું કામ એક મહિનામાં પૂર્ણ થઇ જશે. 11 ગામોમાં પાણી પહોંચાડવા માટે 200 કિ.મી. પાણીની લાઇન નાંખવાની સામે 120 કિ.મી. લાઇનો નાંખી પણ દેવાઇ છે. પરંતુ પાણીની પાઇપો તેમજ ટાંકીમાં હજી સુધી પાણી પહોંચ્યું જ નથી. 11 ગામોના રહીશો પાણીથી વંચિત

  • સયાજીપુરા
  • અણખોલ
  • ખટંબા
  • શંકરપુરા
  • હનુમાનપુરા
  • આમોદર
  • સિંકદરપુરા
  • જેસંગપુરા
  • બાકરોલ
  • પવલેપુર
  • શ્રી પોરટીંબી