સયાજીબાગ ઝુનો આકર્ષક પ્રવેશ દ્વાર સેલ્ફી પોઇન્ટ બનાવવા પાછળ રૂ.1.20 કરોડ ખર્ચાશે
Vadodara Sayaji Baug Zoo : વડોદરા પાલિકા હસ્તકના સયાજીબાગ ઝુનો આકર્ષક પ્રવેશ દ્વાર વિકસાવવાના GRC વર્કના કામે ઈજારદારનું 1,20,86,553ના ભાવપત્રને મંજૂરી આપવા સ્થાયી સમિતિમાં રજૂ કરાયું છે.
પાલિકા હસ્તકના સયાજીબાગ ઝુમાં પ્રવેશ કરવા માટે સહેલાણીઓને સયાજીબાગનો અમુક વિસ્તાર પસાર કરી ઝુની ટિકિટ બારી સુધી આવવાનું થાય છે. સેન્ટ્રલ ઝુ ઓથોરીટીનો સ્પષ્ટ મત છે દરેક ઝુને સુંદર અને આકર્ષક પ્રવેશ દ્વાર હોવું જ જોઈએ, જેથી પ્રવેશ દ્વારની સુંદરતા જોઈ સહેલાણીઓને ઝુ જોવાની વધુ ઉત્સુકતા જાગે અને સહેલાણીઓની સંખ્યામાં વધારો થાય. સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, નવી દિલ્હી દ્વારા આ બાબત ધ્યાને લઈ, ઝુ માટે અલગથી એક આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવે તેવા સુચન અન્વયે ઝુના માસ્ટર લેઆઉટ પ્લાનમાં દર્શાવી અને તેને મંજૂરી આપેલ છે. નવીન અને આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવાથી સયાજીબાગ ઝુને એક આગવી ઓળખ મળશે, સહેલાણીઓને સરસ સ્મૃતિઓ બને તેવા સેલ્ફી પોઇન્ટ બનશે. ઝુ રી-ડેવલોપમેન્ટની કામગીરીના ભાગરૂપે સયાજીબાગ ઝુનો પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવશે.