Get The App

‘ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી’, કોંગ્રેસે સરકારની નીતિ સામે ઉઠાવ્યા સવાલ

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
‘ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી’, કોંગ્રેસે સરકારની નીતિ સામે ઉઠાવ્યા સવાલ 1 - image

Suicide Case in Gujarat: ગુજરાત અને દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહેલી આત્મહત્યાના આંકડા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તાએ સરકારની શિક્ષણ નીતિઓ, વારંવાર થતા પેપર લીક અને રોજગારીની અનિશ્ચિતતા સામે આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષનો દાવો છે કે, શિક્ષણના નામે થઈ રહેલી ઉઘાડી લૂંટ, પરીક્ષાનું અસહ્ય દબાણ અને ભયંકર બેરોજગારીને કારણે યુવાનો ભારે માનસિક તણાવ હેઠળ જીવી રહ્યા છે.

દેશભરમાં રોજ સરેરાશ 40થી વધુ કિશોરો ગુમાવે છે જીવ

NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો)ના આંકડા ટાંકીને કોંગ્રેસે જણાવ્યું છે કે, વર્ષ 2019 થી 2024 દરમિયાન દેશભરમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 63,915 બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી છે. એટલે કે દેશમાં સરેરાશ દરરોજ 40થી વધુ કિશોર આત્મહત્યા કરે છે. આ સિવાય, આ જ સમયગાળામાં 30 વર્ષથી ઓછી ઉંમરના 12,598 યુવાનોએ માત્ર પરીક્ષામાં નિષ્ફળતાના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જે દરરોજની સરેરાશ 5થી વધુ વિદ્યાર્થીઓની થાય છે.

ગુજરાતમાં આત્મહત્યાના આંકડામાં ભયજનક ઉછાળો

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેમાં છેલ્લા વર્ષમાં આંકડો ખૂબ જ આંચકાજનક રીતે વધ્યો છે. વિપક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 4 વર્ષના આંકડા નીચે મુજબ છે:

‘ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1,063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી’, કોંગ્રેસે સરકારની નીતિ સામે ઉઠાવ્યા સવાલ 2 - image

'માત્ર વર્ષ 2024ની વાત કરીએ તો સમગ્ર દેશમાં 14,488 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. વર્ષ 2019 થી 2024 વચ્ચે બાળકોમાં આત્મહત્યાના કેસોમાં અંદાજે 16% જેટલો મોટો વધારો નોંધાયો છે.'

સિસ્ટમ સામે સવાલો અને મુખ્ય માંગણીઓ

ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે NEET, JEE, CUET, GPSC અને UPSC જેવી મહત્વની પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓના કારણે વિદ્યાર્થીઓનો સિસ્ટમ પરથી ભરોસો ઊઠી ગયો છે. ડિગ્રી મેળવ્યા બાદ પણ નોકરીની કોઈ ગેરંટી નથી અને ભરતી પ્રક્રિયાઓ વર્ષો સુધી અટકેલી રહે છે, જેના કારણે યુવાનોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

વિપક્ષ દ્વારા આ ગંભીર સ્થિતિને ડામવા માટે સરકાર સમક્ષ નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે

-પેપર લીક અને પરીક્ષાના કૌભાંડો સામે અત્યંત કડક અને વિશેષ કાયદો બનાવવામાં આવે.

-રાજ્યની દરેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ફરજિયાત માનસિક સ્વાસ્થ્ય કાઉન્સેલિંગ સેન્ટર અને હેલ્પલાઈન શરૂ કરાય.

-તમામ ભરતી અને પ્રવેશ પરીક્ષાઓ માટે સંપૂર્ણ પારદર્શક અને સમયબદ્ધ પ્રણાલી અમલમાં મૂકવામાં આવે.

-વિદ્યાર્થીઓની આત્મહત્યાના કારણો શોધવા માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિશેષ તપાસ કરીને નવી નીતિ ઘડવામાં આવે.