Get The App

'ત્રાસ એટલો વધી ગયો કે આખી રાત આશ્રમ રોડ પર બેસી રહી'

માતાને મળવાનું કહેતી એટલે પિતરાઇ ખૂબ મારતા

Updated: Nov 6th, 2019

GS TEAM

Google News
Google News
'ત્રાસ એટલો વધી ગયો કે આખી રાત આશ્રમ રોડ પર બેસી રહી' 1 - image

મારા પરિવારમાં મને સૌથી વધારે તક મળી છે અને લીડરશીપ, ધીરજ અને હિમ્મત જેવા ગુણ મને મારા માતા-પિતામાંથી મળ્યા છે પણ હું જેમ જેમ મોટી થતી ગઇ મારા તરફનું તેમનું વર્તન આક્રમક બનતું જતું હતું. મારા ભાઇઓએ મને અલ્હાબાદના રસ્તા પર ખૂબ માર માર્યો છે. મારી મમ્મીને મળવાની છૂટ ન હતી. એક વખત જ્યારે મારા પિતા અહીં અમદાવાદ મારા ઘરે આવ્યા હતા ત્યારે ખાવા-પીવા, રહેણીકરણી, ઘર અને કામને લઇને તેઓ મને હદથી વધારે હેરાન કરી જે મારા માટે અસહ્ય હતું હું તે વખતે શૂન્યમનસ્ક થઇ ગઇ હતી અને તેમની સાથે ઘરમાં રહેવા કરતા રસ્તા પર એકલા રહેવું મને વધારે યોગ્ય લાગ્યું તે આખી રાત મેં આશ્રમ રોડ પર ઊભા ઊભા વિતાવી હતી આ શબ્દ છે મૂળ મધ્યપ્રદેશની અને છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી અનુજા અગ્રવાલના.

ટીનએજમાં જ જેને 'તું માનસિક રીતે બીમાર છે તને પરિવારની નહીં ડૉક્ટરની જરૃર છે' જેવા શબ્દ બોલાતા, જેને રસ્તા પર મારવા પીટવામાં આવી હતી, જેની સાથે ઘણી વખત શારીરિક શોષણ થયું હોવા છતા દરેક પરિસ્થિતિમાં પોતાનો રસ્તો બનાવી લેતી અનુજાની આજે કર્મવીરચક્ર એવોર્ડ માટે પસંદગી થઇ છે. અનુજા ૮ વર્ષની ઉંમરથી માતા-પિતાથી અલગ હોસ્ટેલમાં ભણી, પૂનાની કોલેજમાંથી ચાર્ટડ અકાઉન્ટન્ટ ભણી પરંતુ તેનામાં લોકોની સેવા કરવાની એક અનોખી ભાવના હતી  તે અમદાવાદમાં આવી અને અહીંથી જ તેણે સોશિયલ વર્ક અને સ્ટાર્ટઅપ શરૃ કર્યું. ઘણા પડકારોનો સામનો કરીને અનુજા આજે એક કંપનીની સીઇઓ છે વિવિધ શહેરોમાં કામ કરતી અનુજા આજે દિલ્હીમાં છે. 

આ અંગે વાત કરતા અનુજાએ કહ્યું કે, અમદાવાદમાં આવીને મેં અલગ અલગ એનજીઓના અકાઉન્ટ સંભાળવાનું કામ શરૃ કર્યું પરંતુ એનજીઓમાં ફંડનો મીસયુઝ થાય છે તેવું લાગતા તે કામ છોડયું અને સ્કૂલના બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ, સોફ્ટ સ્કિલ તેમજ યંગસ્ટર્સના રિલેશનશીપ અને કરિયરના પ્રશ્નોને હલ કરવાનું શરૃ કર્યું. અત્યાર સુધીમાં મેં વીસ હજારથી વધારે યુવાનોનું કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેશન લીધા છે અને આજે મારી સાથે અલગ અલગ ક્ષેત્રના ૧૮૦ લોકો જોડાયા છે.

Tags :