Get The App

અમને વયોવૃદ્ધ ન કહો, યોગથી યુવાન છીએ...

Updated: Jun 20th, 2019

GS TEAM

Google News
Google News

સદીઓથી આપણી સંસ્કૃતિમાં યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને હવે તો આજના દિવસને એટલે કે ૨૧ જુનને ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આજે યોગને લઇને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ એક દિવસ પૂરતું જાણે ચોમેર યોગનું ઘોડાપૂર ઉમટી આવ્યું હોય એવું લાગશે પરંતુ આપણી વચ્ચે અમુક એવા લોકો પણ છે જે વરસોથી યોગ દ્વારા પોતાની હેલ્થને ફિટ રાખી રહ્યા છે. એમાં ૭૦ થી ૮૦ વર્ષના વડીલોનો સમાવેશ કરી શકાય. જે યુવાનો ન કરી શકે એવા આસન સરળતાથી કરીને પોતાની ફિટનેસને જાળવી રહ્યા છે. 

આજે 80 વર્ષેય મયુરાસન અને ચક્રાસન કરી શકું છું

અમને વયોવૃદ્ધ ન કહો, યોગથી યુવાન છીએ... 1 - image'હું અંગ્રેજીનો પ્રોફેસર હતો અને લેખન કાર્ય સાથે સંકળાયેલો જીવ છું. હું અને મારી પત્ની ઘરમાં અમને આવડે એવા યોગ કરતાં હતાં. તે ગુજરી જતાં હું ભાંગી પડયો હતો. એમાંથી બહાર નીકળવા ૧૦ દિવસના યોગના પ્રોગ્રામમાં જોડાયો. એ દિવસો દરમિયાન શારીરિક રીતે મને પડતી નાની મોટી તકલીફો દૂર થવા લાગી અને મેન્ટલી મને સારું લાગવા માંડયું. હું મયુરાસન અને ચક્રાસન કરી શકું છું. આજે ૮ વર્ષથી નિયમિત સવારે દોઢ કલાક યોગ કરું છું. યોગના લીધે આજે ૮૦ વર્ષેય પણ એકદમ ફિટ છું.'  - સુરેશભાઇ દેસાઇ, વિજય ચાર રસ્તા


દરેક વ્યક્તિએ એક કલાક તો શરીર માટે ફાળવવો જ જોઇએ

અમને વયોવૃદ્ધ ન કહો, યોગથી યુવાન છીએ... 2 - image'બજાજમાં વર્કશોપ મેનેજર હતો. તેથી સ્કૂટર, રિક્ષા એમ વાહનોના સતત ધૂમાડાના સંપર્કમાં આવવાનું રહેતું. તેનાથી મારા સ્વાસ્થ્ય પર અસર પડવા લાગી.  જોબ છોડી નેચરોપથીના સંપર્કમાં આવ્યો અને યોગ કરવાનું શરૃ કર્યું. છેલ્લાં ૨૨ વર્ષથી યોગ સાથે સંકળાયેલો છું. યોગથી મન શાંત અને મનોબળ મજબૂત બને છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત અનેક ફાયદા થાય છે. હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ સવારે એક કલાક શરીર માટે ફાળવવો જ જોઇએ.' - અશોકભાઇ પટેલ, ગુરુકુળ

70 વર્ષે પણ નિયમિત એક કલાક યોગ કરું છું

અમને વયોવૃદ્ધ ન કહો, યોગથી યુવાન છીએ... 3 - image'હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરતી હતી અને સંયુક્ત પરિવારમાં રહેતી હતી. મને યોગ કરવાની ઇચ્છા મનમાં અનેકો વખત થતી પણ એ માટે સમય ફાળવી શકતી નહોતી. રિટાયર થયાં પછી ઇચ્છાને પૂરી કરવા યોગ શરૃ કર્યાં. રોજ સવારે એક કલાક યોગ કરું છું અને વોક પણ કરું છું. ફિમેલને થતી અનેક સમસ્યાઓમાં યોગથી રાહત મળે છે. ૭૦ વર્ષે આજે મને નખમાં પણ રોગ નથી. કામ કરવામાં જરાય થાક લાગતો નથી. આખો દિવસ ફ્રેસનેસ ફિલ કરું છું.' - મીનાબહેન મહેતા, આંબાવાડી 


વ્યકિતએ સમગ્ર જીવનને યોગમય બનાવવું જોઇએ

અમને વયોવૃદ્ધ ન કહો, યોગથી યુવાન છીએ... 4 - imageયંગસ્ટર્સ ન કરી શકે તેવા મયૂરાસન, શીર્ષાસન, ચક્રાસન, ધનુરાસન,ગરૃડાસન, તાડાસન જેવા આસનો નિયમિત કરું છું. તેમજ આસન અને પ્રાણાયમ કરવાથી શરીરમાં થતાં વિવિધ દુખાવામાંથી મુકિત મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. યોગની સાથે શરીરને પૌષ્ટિક ખોરાક અને પૂરતો આરામ મળે તે જરૃરી છે.

84 વર્ષીય ભગવાનદાસ પરીખ 

૮૪ વર્ષીય ભગવાનદાસ પરીખ રોહિણી ગાર્ડનમાં આવતા યંગસ્ટર્સ અને સિનિયર સિટીઝનને ૨૦૦૮થી નિયમિત નિઃ શુલ્ક યોગ શીખવે છે. તેઓ કહે છે કે, વ્યકિતએ એક દિવસ યોગ કરવાને બદલે સમગ્ર જીવનને યોગમય બનાવવું જોઇએ. વર્ષ ૨૦૦૮થી નિયમિત સવાર- સાંજ રોહિણી ગાર્ડનમાં લોકોને યોગની તાલીમ આપું છું. વ્યક્તિએ દિવસમાં ૪૦ મિનિટ યોગ અને પ્રાણાયમ કરવા જોઇએ.

Tags :