Get The App

છેલ્લા ત્રણ મહિનામાં રક્તદાતાઓમાં 70% નો ઘટાડો

WORLD BLOOD DONOR DAY

Updated: Jun 15th, 2020

GS TEAM

Google News
Google News

કોરોનાના આ કપરા કાળમાં દરેક વ્યક્તિએ ડોક્ટર્સને કોરોના વોરિયર ગણાવી તેમને ખુબ માન સન્માન આપ્યું. ડોક્ટર્સ સૌથી મોટું યુદ્ધ લડી રહ્યા છે અને લોકોના જીવ બચાવી રહ્યા છે ત્યારે કોઇએ વિચાર્યું કે આપણે પણ આ સમયમાં કોઇનો જીવ બચાવી શકીએ છીએ ? આ સમય એટલા માટે વધારે સંવેદનશીલ છે કારણકે છેલ્લા ત્રણ મહિનાથી બ્લડબેન્કમાં માત્ર ગણતરીના લોકો બ્લડ ડોનેટ કરવા જઇ રહ્યા છે. બ્લડબેન્કમાં બ્લડની અછતને કારણે અત્યારે વેઇટિંગ ચાલી રહ્યું છે. 'તમે નામ, સરનામું અને નંબર નોંધાવો બ્લડ આવશે એટલે તરત જાણ કરીશું' એવું બ્લડબેંકમાંથી જવાબ મળે છે. આવા સમયે અમદાવાદની બ્લડબેન્કો પણ રક્તદાન જાગૃતિ માટે કામ કરી રહી છે અને વધારેમાં વધારે લોકો બ્લડ ડોનેટ કરે તેની  પ્રેરણા આપી રહી છે. ડૉક્ટર્સ કહે છે કે, રક્તદાન કરવાથી ઈમ્યુનિટી લૉ થતી નથી 


 થેલેસેમિયા મેજર બાળકોને દર સાત દિવસે બ્લડ ચડાવવું પડે છે ત્યારે થેલેસેમિયા મેજર બાળકોના માતા-પિતાને અને અન્ય ઇમરજન્સીમાં લોકોેને બ્લડ માટે વલખા મારવા પડી રહ્યા છે.

થેલેસેમિયાના દર્દીઓ સિવાય બધાંને બ્લડ રિપ્લેસ કરવાનું કહીએ છીએ- ડો. વિશ્વાસ અમિન, એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર એટ રેડ ક્રોસ સોસાયટી

અત્યારે લોકોને કોરોનાનું ઇન્ફેક્શન લાગી જવાની ખુબ બીક લાગે છે પરંતુ તમામ બ્લડબેન્કમાં દરેક પ્રકારના પ્રિકોશન્સ લેવામાં આવી રહ્યા છે. અત્યારે કામ વગર બહાર ન નીકળવું જોઇએ પરંતુ જીવનજરૃરિયાતની વસ્તુ લેવા બધા જ જાય છે તેવી રીતે આ પણ સોશિયલ રિસ્પોન્સબીલીટી સમજીને દરેકે બલ્ડ ડોનેટ કરવું જોઇએ. અત્યારે બ્લડની ખુબ અછત છે. થેલેસેમિક બાળકો માટે અત્યારે કોઇ પણ કન્ડીશન વગર અમે તેમને બ્લડ આપીએ છીએ પરંતુ આ સિવાયના કોઇને પણ બ્લડની જરૃર પડે તો તેમને એક બોટલ બ્લડ આપવાની સાથે એક બોટલ બ્લડ જમા કરાવવા કહેવામાં આવે છે. જે લોકોને બહુ ઇમરજન્સી ન હોય તેઓને રાહ જોવા માટે કહેવામાં આવે છે અને જેઓને તાત્કાલિક જરૃર હોય તે લોકોને જ બ્લડ આપવામાં આવી રહ્યુ છે.

ડૉ. હોંશિલ પરીખ અને તેમના માતા-પિતાએ મહામારીના સમયમાં પણ રક્તદાન કર્યું 

છેલ્લા ત્રણ મહિનામાં રક્તદાતાઓમાં 70% નો ઘટાડો 1 - imageકોરોનાના કહેર વચ્ચે બ્લડ ડોનેટ કરાતું હશે? એક તો ઇમ્યુનિટી વધારવાની છે અને બ્લડ ડોનેટ કરવાથી ઇમ્યુનિટી લૉ ના થઇ જાય ? અને ક્યાંક વળી આપણે કોઇકનું ભલું કરવા જઇએ અને આપણને જ કોરોના થઇ જાય તો? આવા વાક્યો અત્યારે દરેક જગ્યાએ સાંભળવા મળ્યા હશે પરંતુ ખાસ જાણવા જેવું છે ડૉક્ટર્સ જ કહી રહ્યા છે કે બ્લડ ડોનેટ કરવાથી ઇમ્યુનિટી લૉ થતી નથી એટલે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે આપણે સોશિયલ રિસ્પોન્સીબિલિટીને સમજવી પડશે અને તેનું ઉત્તમ ઉદાહરણ નારણપુરા વિસ્તારમાં રહેતો પરીખ પરિવાર છે. પરીખ કુટુંબના ચાર સભ્યોમાંથી ત્રણ સભ્ય ડોક્ટર છે અને તેઓએ કોરોનાના આ સમયમાં પણ બ્લડ ડોનેટ કરીને આ ખોટી વાતોનું ખંડન કરી પોતાની ફરજ પુરી કરી છે. આ અંગે વાત કરતા ડૉ. હોંશિલ પરીખે કહ્યું કે, મેં ૧૮મી વર્ષગાંઠે સંકલ્પ કર્યો હતો કે ૨૫મી વર્ષગાંઠ સુધીમાં ૨૫ વાર રક્દાન કરવું છે અને કોરોનાને કારણે બ્લડબેન્કમાં કોઇ બ્લડ ડોનેટ કરતું નથી તેથી મારી ઉંમરના મિત્રોને પ્રેરણા મળે અને તેઓ પણ બ્લડ ડોનેટ કરે તે માટે ૯ એપ્રિલના રોજ આવતી મારી ૨૫મી વર્ષગાંઠે મેં રેડ ક્રોસ સોસાયટી ખાતે લોકડાઉનનો સમય હતો છતાં પણ ૨૫મી વખત રક્તદાન કર્યું. ભવિષ્યમાં પણ આજ ઉત્સાહ જાળવી રાખીને ૩૨ની ઉંમરમાં ૫૦ વાર અને ૪૫ની ઉંમર સુધીમાં ૧૦૦ વખત રક્તદાન કરવાનો મારો સંકલ્પ છે. મારી જેમ દરેક યુવાન ૧૮ વર્ષની ઉંમરથી જ રક્તદાન શરૃ કરે તો બલ્ડબેન્કમાં ક્યારેય રક્તની ખોટ ન પડે. હું પોતે ડોક્ટર છું અને મેં આવા સમયમાં પણ બ્લડ ડોનેટ કર્યું છે. અત્યારે બ્લડ ડોનેટ કરવાથી ઇમ્યુનિટી લૉ થાય કે કોરોનાનો ચેપ લાગી જાય એ માન્યતા ખોટી છે. આ ઉપરાંત બ્લડબેન્કમાં બ્લડની અછત છે  તે જાણીને ડો. હોંશિલના પિતા ડો. વિનીત પરીખ અને માતા ચેતનાબેન પરીખ તરત બ્લડ ડોનેટ કરવા પહોચી ગયા હતા. ડો. વિનીતભાઇએ અત્યાર સુધીમાં ૯૧ વખત , ચેતનાબહેને ૮૫ વખત અને તેમની દિકરી ડો. મેહાએ ૩૦ વખત રક્તદાન કર્યું છે. તેઓ માને છે કે, ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરતા પણ વધારે જરૃરી રક્તદાન છે. પરીખ પરિવારના ચાર સભ્યો અત્યાર સુધીમાં ૨૩૧ વખત બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે

હિમાંશુ ભટ્ટના પરિવારે છેલ્લા 10 વર્ષમાં 35 કેમ્પ કરીને 3536 બોટલ રક્તદાન કલેક્ટ કર્યું 

છેલ્લા ત્રણ મહિનામાં રક્તદાતાઓમાં 70% નો ઘટાડો 2 - imageકોરોના વાઇરસના કહેરમાં દરેક વ્યકિત પોતાના શરીરની હ્યુમિનિટી વધારવાનો પ્રયાસ કરે છે ત્યારે સમાજના રક્તદાન વોરિયર્સ બીજા વ્યકિતના દર્દને સમજીને રક્તદાન કરવામાં અગ્રેસર રહ્યાં છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષીય હિમાંશુભાઇ ભટ્ટના પરિવારના બધા સભ્યો દ્વારા છેલ્લાં ૧૦ વર્ષથી વર્ષમાં ચાર વખત નિયમિત રીતે રક્તદાન કરીને માનવસેવાનું કાર્ય કરવાનું બીડું ઝડપ્યું છે. આ વિશે વાત કરતાં હિમાંશુ ભટ્ટે કહ્યું કે, હું ૨૦ વર્ષનો હતો ત્યારે અમારા સંબંધીને રકતદાનની જરૃર પડી હતી ત્યારે મારા માતાા કોઇ કારણસર રક્તદાન કરી શક્યા ન હતા અને તેમના કહેવાથી મેં પહેલી વાર રક્તદાન કર્યું હતું. ત્યારથી લઇને અત્યાર સુધી હું દર ત્રણ મહિને નિયમિત રીતે રક્તદાન કરું છું. અત્યાર સુધીમાં ૧૩૧ વખત રક્તદાન કર્યું છે. લૉકડાઉનના સમયમાં રક્તદાન કેમ્પનો દિવસ હતો ત્યારે રેડક્રોસ સોસાયટીમાં જઇને રક્તદાન કર્યું હતું. અમારા પરિવારમાં મોટા ૬ સભ્યો તેમજ બીજા લોકો દ્વારા ઘરે જ છેલ્લાં ૧૦ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં અત્યાર સુધીમાં ૩૫૩૬ બોટલ રક્તદાન એકત્રિત કરીને સિવિલ હોસ્પિટલ અને કેન્સર વિભાગના દર્દીઓ સુધી પહોંચે તે માટે માનવસેવાનું કાર્ય કરીએ છીએ. 

'61 વર્ષનો છું,99 વખત રક્તદાન કર્યું છે'

છેલ્લા ત્રણ મહિનામાં રક્તદાતાઓમાં 70% નો ઘટાડો 3 - image'કોલેજમાં અભ્યાસ દરમિયાન ડૉક્ટર્સ સાથે મિત્રતા થઇ અને તેમણે લોહી આપવાથી થતાં ફાયદા અંગે જણાવ્યું. બસ ત્યારથી જ્યારે જરૃર પડે ત્યારે બ્લડ આપવા પહોંચી જઉં છું. અત્યાર સુધીમાં ૯૯ વખત બ્લડ આપી ચૂક્યો છું અને હવે ૧૦૦મી વખત બ્લડ આપવા જવાનો છું. હું ૬૧ વર્ષનો છું છતાં નખમાંય રોગ નથી. પત્ની, દીકરી અને દીકરો જ્યારે જ્યારે તક મળે ત્યારે તેઓ પણ બ્લડ આપે છે. આપણા લોહીથી કોઇનું જીવન બચતું હોય તો એનાથી મોટું અહોભાગ્ય કયું હોઇ શકે, એટલે ગભરાયા વગર બ્લડ ડોનેટ કરો.'-=કેતન ગાંધી, ગુરુકુળ

65 વર્ષમાં 124 વાર રક્તદાન કર્યું છે

છેલ્લા ત્રણ મહિનામાં રક્તદાતાઓમાં 70% નો ઘટાડો 4 - image'થેલેસેમિયાના બાળકોને બ્લડની અછતને લીધે હેરાન થતાં જોયાં ત્યારથી બ્લડ ડોનેટ કરવાનું શરૃ કર્યું છે. અત્યાર સુધીમાં ૧૨૪ વખત બ્લડ ડોનેટ કરી ચૂક્યો છું. આજે પણ બ્લડ ડોનેટ કરવા સક્ષમ છું, પરંતુ ૬૫ પ્લસ થઇ જવાને લીધે બ્લડ બેંકે બ્લડ લેવાની ના પાડી દીધી. હું આર્યુવેદમાં માનું છે અને એ મુજબ હકીકત એ છે કે, રેગ્યુલર બ્લડ ડોનેટ કરવાથી ક્યારેય હાર્ટ એટેક નથી આવતો, ડાયબિટિસ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલની તકલીફ નથી થતી. ફિટ રહેવા માટે લોહી આપવું જોઇએ એવું હું માનું છું. -=શ્રીકાંત મોદી, ઘાટલોડિયા

લોકડાઉનમાં પણ રક્તદાન કર્યું, 28 વર્ષમાં 32 વખત રક્તદાન કરી ચૂક્યા છે

છેલ્લા ત્રણ મહિનામાં રક્તદાતાઓમાં 70% નો ઘટાડો 5 - image'જ્યારથી સમજણો થયો ત્યારથી પપ્પાને રેગ્યુલર બ્લડ ડોનેટ કરતાં જોઇને મને પણ બ્લડ ડોનેટ કરવાની ઇચ્છા થઇ. ૧૮ વર્ષની ઉંમર થતાં પપ્પાની સાથે મેં બ્લડ ડોનેટ કરવાનું શરૃ કર્યું. પપ્પા અત્યાર સુધીમાં ૮૨ વખત બ્લડ આપી ચૂક્યા છે. મેં મારી ૨૮ વર્ષની ઉંમરમાં ૩૨ વખત બ્લડ આપ્યું છે અને ૧૦૦ વખત આપવાની ઇચ્છા છે. લોકડાઉન દરમિયાન પણ મેં બ્લડ ડોનેટ કર્યું છે. બ્લડ આપ્યા બાદ એનર્જીનો સંચાર થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે, કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી. તેથી નિયમિત બ્લડ ડોનેટ કરતો રહીશ.'-=રૂષભ શાહ, શ્યામલ  

Tags :